Last Updated on by Sampurna Samachar
બેફામ દોડતી કારે એક 8 વર્ષની નિર્દોષ બાળકીનો જીવ લીધો
કાળમુખા બનેલા વાહનોએ હસતા-રમતા પરિવારની ખુશીઓ છીનવી લીધી
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરામાં એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. બે બેફામ દોડતી કાર વચ્ચે થયેલા અકસ્માતની અડફેટે એક નિર્દોષ બાળકીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પિતા પોતાની લાડકવાઈને સ્કૂલે મૂકવા જઈ રહ્યા હતા, ત્યારે કાળમુખા બનેલા વાહનોએ હસતા-રમતા પરિવારની ખુશીઓ છીનવી લીધી છે.

મળતી માહિતી મુજબ, વડોદરાના એક મુખ્ય માર્ગ પર બે કાર ચાલકોએ પૂરઝડપે વાહનો હંકારતા એકબીજા સાથે અકસ્માત સર્જ્યો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે કારે માર્ગ પરથી પસાર થઈ રહેલા એક બાઈક સવારને પણ પોતાની અડફેટે લીધો હતો. આ બાઈક પર એક પિતા તેમની ૮ વર્ષની દીકરીને સ્કૂલે મૂકવા જઈ રહ્યા હતા.
પરિવારના આક્રંદથી હોસ્પિટલનું વાતાવરણ પણ ગમગીન બન્યું
પિતા અને પુત્રી બંને રોડ પર પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને બાળકીને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
હોસ્પિટલમાં ડોક્ટરોની ટીમ દ્વારા બાળકીને બચાવવા માટે પૂરતા પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ માથાના ભાગે ગંભીર ઈજાઓ હોવાને કારણે ટૂંકી સારવાર બાદ બાળકીનું કરુણ મોત નીપજ્યું હતું. ૮ વર્ષની માસૂમ દીકરીના મોતના સમાચાર મળતા જ પરિવાર પર આભ ફાટી પડ્યું છે. જે દીકરી થોડી વાર પહેલા પિતા સાથે હસતા મુખે સ્કૂલે જવા નીકળી હતી, તેનો મૃતદેહ જોઈ પરિવારના આક્રંદથી હોસ્પિટલનું વાતાવરણ પણ ગમગીન બની ગયું હતું.