Last Updated on by Sampurna Samachar
ધારાસભ્યો અને AMC ના પદાધિકારીઓ જોડાયા
વિજયના ઉત્સાહમાં કાર્યકરોએ ભારે આતશબાજી કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રના રાજકારણમાં પ્રતિષ્ઠાનો જંગ મનાતી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં NDA ગઠબંધને ભવ્ય વિજય મેળવ્યો છે. આ વિજયના પડઘા છેક ગુજરાત સુધી સંભળાઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં મળેલી આ ઐતિહાસિક સફળતાને વધાવવા માટે અમદાવાદના ખાનપુર સ્થિત શહેર ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો.

અમદાવાદ શહેર ભાજપના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ખાનપુર કાર્યાલય ખાતે એકઠા થયા હતા. વિજયના ઉત્સાહમાં કાર્યકરોએ ભારે આતશબાજી કરી હતી અને ગગનભેદી નારા લગાવ્યા હતા. ભાજપના હોદ્દેદારોએ એકબીજાને ગુલાલ લગાવી અને મીઠાઈ ખવડાવીને મોઢું મીઠું કરાવ્યું હતું. આ ઉજવણીમાં સંગઠનના હોદ્દેદારો, સ્થાનિક ધારાસભ્યો અને AMC ના પદાધિકારીઓ પણ હોંશે હોંશે જોડાયા હતા.
ભાજપ દ્વારા આ જીતની ઉજવણી કરાઇ
માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય ‘કમલમ‘ સહિત રાજ્યના તમામ મહાનગરોમાં પણ ભાજપ દ્વારા આ જીતની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજકીય વિશ્લેષકોના મતે, BMC મા NDA નો વિજય એ આગામી સમયના રાજકારણ માટે ખૂબ જ નિર્ણાયક સાબિત થશે. ભાજપના નેતાઓએ આ વિજયને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને NDAની નીતિઓ પર જનતાનો અતૂટ વિશ્વાસ ગણાવ્યો હતો.