Last Updated on by Sampurna Samachar
અંબાજીમાં માસ્ટરપ્લાન મુજબ વિકાસ કાર્યો હાથ ધરાશે
ગુજરાત એરપોર્ટના વિસ્તરણ માટે ૯૫ કરોડની ફાળવણી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ધાર્મિક અને પ્રવાસન સ્થળોને વૈશ્વિક સ્તરે ચમકાવવા માટે બજેટમાં મોટી જાહેરાતો કરાઇ છે. શ્રદ્ધાળુઓની આસ્થા, પ્રવાસીઓ અને રાજ્યના આર્થિક વિકાસને ધ્યાનમાં રાખીને અંબાજી, સોમનાથ અને લોથલ જેવા ઐતિહાસિક સ્થળો માટે ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે.

શક્તિપીઠ અંબાજી ખાતે ભક્તોની સુવિધામાં વધારો કરવા અને મંદિર પરિસરને વધુ ભવ્ય બનાવવા માટે ૩૦૦ કરોડના ખર્ચે ‘અંબાજી કોરિડોર‘ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. કાશી વિશ્વનાથ અને ઉજ્જૈન મહાકાલ કોરિડોરની જેમ જ અંબાજીમાં પણ માસ્ટરપ્લાન મુજબ વિકાસ કાર્યો હાથ ધરાશે.
પ્રવાસન ઉદ્યોગમાં રોજગારીની નવી તકો ઊભી થશે
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે શ્રદ્ધાળુઓ માટે પરિવહન સરળ બનાવવા માટે મલ્ટિ-મોડલ ટ્રાન્સપોર્ટ હબ અને આઇકોનિક બસ સ્ટેશન બનાવવામાં આવશે. સોમનાથ અને અંબાજીમાં આઇકોનિક બસ સ્ટેશનો માટે ૪૪૭ કરોડની જોગવાઈ કરાઈ છે. આ ઉપરાંત, ‘સોમનાથ સ્વાભિમાન પર્વ‘ની ઉજવણી માટે ૨૦ કરોડ ફાળવવામાં આવ્યા છે.

ગુજરાતના આકાશમાં હવે વધુ વિમાનો ગુંજશે. દાહોદમાં નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવવાની સાથે સાથે પોરબંદર, ભાવનગર, સુરત, વડોદરા અને અંકલેશ્વર એરપોર્ટના વિસ્તરણ માટે ૯૫ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
આનાથી પ્રવાસન અને વેપાર બંનેને વેગ મળશે.
* મેળા અને પરિક્રમા: ગિરનાર મહાશિવરાત્રી મેળો અને મા નર્મદા પરિક્રમા પથ પર પદયાત્રીઓ માટે ૨૦ કરોડના ખર્ચે પાયાની સુવિધાઓ ઊભી કરાશે.
* આસ્થાના કેન્દ્રોનો વિકાસ: દ્વારકા, ડાકોર અને માતાના મઢ (આશાપુરા) ખાતે પણ પ્રવાસી સુવિધાઓમાં વધારો કરાશે.
* લોથલ: હેરિટેજ ટૂરિઝમને પ્રોત્સાહન આપવા લોથલ ખાતે ટ્રંક ફેસિલિટી વિકસાવવા માટે PPP મોડલ પર કામ થશે.
* બીચ ટુરિઝમ: સોમનાથ, શિવરાજપુર અને વિસાવડા-પોરબંદરના વિકાસ માટે ૬૦ કરોડ
રાજ્ય સરકારે ગુજરાતને લગ્ન માટેના શ્રેષ્ઠ સ્થળ તરીકે પ્રમોટ કરવા માટે ‘વેડ ઇન ગુજરાત‘ કેમ્પેઇન લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આનાથી પ્રવાસન ઉદ્યોગમાં રોજગારીની નવી તકો ઊભી થશે.