Last Updated on by Sampurna Samachar
વિડીયો કોલ પર ચહેરો જોઇ યુવક ચોંકી ગયો
પોલીસે બંને આરોપીને ઝડપી સઘન પૂછપરછ હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
આજના યુવકોમાં વધી રહેલા પ્રેમ લગ્નના કિસ્સામાં એક ચેતવતો કિસ્સો ઈન્દોરથી સામે આવ્યો છે, જેમાં એક NRI યુવક પ્રેમના નામે લૂંટાયો છે, જેની સાથે પ્રેમના નામે ૨ કરોડ અને ૬૮ લાખ રૂપિયાનો ખેલ થઈ ગયો છે. આ કેસની ખાસ વાત એ છે કે તેની સ્ક્રિપ્ટ ક્રાઈમ થ્રિલર જેવી જ છે.
વિગતવાર વાત કરીએ તો મૂળ આંધ્ર પ્રદેશનો રહેવાસી અને હાલ અમેરિકાના નોર્થ કેરોલિના ખાતે રહેતો વેંકટ કલ્ગા સોફ્ટવેર કંપનીમાં કામ કરે છે. તે પોતાના માટે જીવનસાથી શોધી રહ્યો હતો. જેથી વેંકટે ભારતની એક જાણીતી મેટ્રિમોનિયલ વેબસાઈટ પર પ્રોફાઈલ બનાવી હતી.
ઇમોશનલ બ્લેકમેઇલ કરી પૈસા પડાવ્યા
થોડા દિવસ બાદ તેની નજર એક પ્રોફાઇલ પર પડી હતી. પ્રોફાઇલ પર દેખાતી યુવતી ખૂબ જ સુંદર હતી- ઈન્ટાગ્રામ મોડલ જેવી પર્સનાલિટી, સરળ વાતો અને પારિવારિક સંસ્કારોની ઝલક. જેનું નામ હતું “બરખા જૈસવાણી”. વેંકટે તે પ્રોફાઇલ સાથે સંપર્ક કર્યો. ત્યારબાદ બંનેની વાતચીત વૉટ્સએપ પર શિફ્ટ થઈ, પછી કૉલ્સ શરૂ થયા.
ધીમે-ધીમે મિત્રતા ગાઢ બની, અને બરખાએ કહ્યું કે તે પણ લગ્નને લઈને ગંભીર છે. થોડા જ દિવસોમાં બરખાએ પોતાની મુશ્કેલીઓ શેર કરવાનું શરૂ કર્યું – બીમારી, ઘરની આર્થિક તકલીફો, દેવું, અને પછી અમેરિકા આવીને મળવાની ઇચ્છા. આ ભાવનાત્મક વાતોમાં ફસાઈને વેંકટ સતત પોતાની બચતમાંથી તેને પૈસા મોકલતો રહ્યો.
જ્યાં યુવકે એપ્રિલ ૨૦૨૩ થી જૂન ૨૦૨૪ સુધીમાં વેંકટે અલગ-અલગ ખાતાઓમાંથી કુલ ૨ કરોડ ૬૮ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા. ક્યારેક મેડિકલ ઇમરજન્સી, ક્યારેક ફ્લાઇટ ટિકિટ, તો ક્યારેક ઘરના ખર્ચના બહાને તેની પાસેથી પૈસા માંગવામાં આવ્યા હતા. આ દરમિયાન વેંકટને ધીમે-ધીમે શંકા થવા લાગી. તેણે વીડિયો કોલ કરવાની જીદ કરી અને અહીં કહાનીનો ટ્વિસ્ટ આવ્યો. વીડિયો કોલ પર ચહેરો જોઈને વેંકટના તો હોશ જ ઉડી ગયા. કારણ કે પ્રોફાઈલ ફોટો કોઈ બીજાનો હતો અને વીડિયો કોલ પર રહેલી યુવતી પણ કોઈ અલગ જ હતી.
જેથી વેંકટ અમેરિકાથી ભારત આવ્યો અને સીધો ઇન્દોર પોલીસ પાસે પહોંચ્યો. તેણે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી. DCP ક્રાઇમ બ્રાન્ચ રાજેશ ત્રિપાઠીએ આ મામલાની તપાસ શરૂ કરી અને સાયબર ફ્રોડના પાના ખુલવા લાગ્યા. તપાસમાં જાણવા મળ્યું કે, જે પ્રોફાઇલથી વેંકટને ફસાવવામાં આવ્યો, તેમાં ઉપયોગ કરાયેલા ફોટા એક જાણીતી ઇન્સ્ટાગ્રામ મોડલના હતા, જે ગૂગલ પરથી ડાઉનલોડ કરીને પ્રોફાઇલ બનાવવામાં આવી હતી.
આ પ્રોફાઇલ સિમરન જૈસવાણીએ બનાવી હતી. , જેની ઉંમર ૨૭ વર્ષ છે અને ઇન્દોરની રહેવાસી છે. તેને આ કામમાં સાથ આપી રહ્યો હતો તેનો સગો ભાઈ વિશાલ જૈસવાણી. બંનેએ મળીને એક ષડયંત્ર રચ્યું, નકલી નામોથી વાતચીત કરી અને કરોડો રૂપિયા ઉઘરાવ્યા.
પોલીસ પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું કે, તેઓએ ઠગાઈના પૈસાથી પોતાનું દેવું ચૂકવ્યું, એક કાર ખરીદી, અને એટલું જ નહીં, કપડાંનો પોતાનો બિઝનેસ પણ શરૂ કર્યો. ક્રાઇમ બ્રાન્ચે પહેલા સિમરનની ઇન્દોરથી અને પછી વિશાલની અમદાવાદથી ધરપકડ કરી.
બંનેને પોલીસ રિમાન્ડ પર લેવામાં આવ્યા છે અને તેમની વધુ પૂછપરછ ચાલુ છે. DCP રાજેશ ત્રિપાઠીએ જણાવ્યું કે, સોશિયલ મીડિયા અને ઓનલાઇન પ્લેટફોર્મ્સ પર આવા સાયબર ક્રાઇમ વધી રહ્યા છે. લોકો ભાવનાઓમાં વહીને ચકાસણી વગર પૈસા ટ્રાન્સફર કરી દે છે, જેનો ફાયદો આ ગેંગો ઉઠાવે છે.