Last Updated on by Sampurna Samachar
કેન્દ્રીય મંત્રી બંદી સંજય કુમારનુ નિવેદન ચર્ચામાં
ભાજપના ઉમેદવારને જીતાડવા માટે અપીલ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્રીય મંત્રી અને કરીમનગરના સાંસદ બંદી સંજય કુમારે ગ્રામ પંચાયત ચૂંટણીમાં તેમના સંસદીય મતવિસ્તાર હેઠળ આવતા ગામોમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટે અપીલ કરી છે. આ સાથે જ તેમણે કહ્યું કે, ‘આ ગામોને ૧૦ લાખ રૂપિયાનું ભંડોળ ફાળવવામાં આવશે.‘ હવે કેન્દ્રીય મંત્રીનું આ નિવેદન ચર્ચામાં છે.

તેલંગાણામાં ડિસેમ્બરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાશે. મંત્રીએ આરોપ લગાવ્યો કે, ભારત રાષ્ટ્ર સમિતિ અને કોંગ્રેસની પૂર્વ સરકારોએ સર્વાનુમતે અધિકારીઓની પસંદગી કરતી પંચાયતોને પૈસા આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ કોઈ પૈસા નહોતા મળ્યા. તેમણે મોડી રાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં મતદારોને આ વખતે આવી ચાલમાં ન ફસાવા વિનંતી કરી છે.
રાજ્યમાં ૧૧, ૧૪ અને ૧૭ ડિસેમ્બરે ચૂંટણી કાર્યક્રમ જાહેર
પોતાની પોસ્ટમાં તેમણે કહ્યું કે, ‘કરીમનગર ગામો: ભાજપ સમર્થિત ઉમેદવારને સર્વસંમતિથી ચૂંટો અને વિકાસ માટે તાત્કાલિક ૧૦ લાખ મેળવો. જો કરીમનગર લોકસભા મતવિસ્તારમાં તમારું ગામ સર્વસંમતિથી ભાજપ સમર્થિત સરપંચને ચૂંટે છે, તો હું વિલંબ કર્યા વિના અને કોઈ પણ બહાના કર્યા વિના તે ગામના વિકાસ માટે સીધા ૧૦ લાખ આપીશ.‘
કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી સંજય કુમારે કહ્યું કે સાંસદ હોવાથી મારી પાસે સાંસદ સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના હેઠળ ભંડોળ ઉપલબ્ધ છે. સંજય કુમારે કરીમનગરના લોકોને BRS અને કોંગ્રેસના ઝાંસામાં ન આવવા અપીલ કરી અને કહ્યું કે, માત્ર ભાજપ જ પૈસા આપશે.તેમણે ચેતવણી આપી કે, જો ‘ભૂલથી‘ વિપક્ષી ઉમેદવારો જીતશે તો નવું ભંડોળ નહીં મળશે અને કેન્દ્રીય ભંડોળ પણ વિભાજિત થઈ શકે છે. તેલંગાણા રાજ્ય ચૂંટણી પંચે રાજ્યમાં ૧૧, ૧૪ અને ૧૭ ડિસેમ્બરે ત્રણ તબક્કામાં ગ્રામ પંચાયત ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે.