Last Updated on by Sampurna Samachar
મોડી રાત્રે દુલ્હાએ ઉઠીને જોયુ તો દુલ્હન ગાયબ
કિશનગઢના રહેવાસી રાજેશ શર્માનો મામલો
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજસ્થાનના અજમેર જિલ્લાના કિશનગઢમાંથી લૂંટેરી દુલ્હનનો ચોંકાવનારો એક કિસ્સો સામે આવ્યો છે. અહીં લગ્નની પહેલી રાતે દુલ્હન ફરાર થઈ ગઈ હતી, જેને જોઈને પરિવારના હોશ ઊડી ગયા. આ મામલો કિશનગઢના રહેવાસી રાજેશ શર્માનો છે. જેમણે લગ્ન માટે જિતેન્દ્ર નામના દલાલને ૨ લાખ રૂપિયા આપ્યા હતા.

દલાલે જયપુરની પૂજા નામની છોકરી સાથે લગ્ન નક્કી કરાવ્યા. રીતિ-રિવાજથી જયપુરમાં લગ્ન થયા અને દુલ્હનને લઈને પરિવાર રાજીખુશીથી કિશનગઢ ઘરે પરત ફર્યા. ઘરે પહોંચ્યા બાદ તમામે પરંપરા અનુસાર, રસમો નિભાવી.તમામ રસમો પૂરી થયા બાદ દુલ્હનને પરિવાર તરફથી દાગીના આપવામાં આવ્યા.
પોલીસે યુવતી અને દલાલની શોધખોળ હાથ ધરી
બધું જ સામાન્ય લાગી રહ્યું હતું, પણ રાત થતાં થતાં કહાનીએ નવો વળાંક લીધો, જ્યારે વર પોતાની દુલ્હન પાસે ગયો તો તેણે કહ્યું કે રીતિ-રિવાજ અનુસાર, પહેલી રાતે પતિ-પત્ની એક સાથે સૂઈ શકતા નથી. વરરાજાએ તેને સામાન્ય વાત માની બંને અલગ અલગ સૂઈ ગયા. પણ રાતના લગભગ ૩ વાગ્યે જ્યારે વરરાજો પાણી પીવા માટે ઊઠ્યો તો તેણે રૂમમાં જોયું તો દુલ્હન ગાયબ હતી.
ગભરાઈને તેણે પરિવારને આ વાતની જાણ કરી અને તરત શોધખોળ ચાલુ કરી. દુલ્હનને બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન સુધી શોધવા લાગ્યા, પણ ક્યાંય મળ્યા નહીં. સવાર થતાં સ્પષ્ટ થઈ ગયું કે દુલ્હન દાગીના અને રોકડ રૂપિયા લઈને ફરાર થઈ ચૂકી છે. ઘટનાની જાણકારી મળતા આખા પરિવારમાં હડકંપ મચી ગયો.
પીડિત પરિવારે તરત મદનગંજ પોલીસમાં તેની ફરિયાદ નોંધાવી. પોલીસે આ મામલો નોંધી તપાસ શરૂ કરી દીધી. પીડિત રાજેશ શર્માનું કહેવું છે કે દલાલે ૨ લાખ રૂપિયા લઈને લગ્ન કરાવ્યા હતા. પણ બધું એક કાવતરાનો ભાગ હતો. હાલમાં પોલીસ યુવતી અને દલાલને શોધી રહી છે.આ ઘટના બાદ વિસ્તારમાં અલગ અલગ પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે.
લોકો કહી રહ્યા છે કે વિશ્વાસ અને સંબંધના નામ પર હવે લોકોને છેતરવાની નવી રીત સામે આવી છે. લગ્નના નામ પર પરિવાર પાસેથી લાખો રૂપિયા પડાવવામાં આવી રહ્યા છે અને દુલ્હન ઘરેથી દાગીના લઈને રફુચક્કર થઈ જાય છે. હાલમાં પોલીસની તપાસથી સ્પષ્ટ થશે કે આ ઘટના પાછળ કેટલા લોકો સામેલ છે.