Last Updated on by Sampurna Samachar
દિલ્હીમાં એક સેમિનારમાં ગૃહમંત્રી અમિત શાહનુ નિવેદન
અભિવ્યક્તિની આઝાદી છીનવી લેવામાં આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હીમાં આયોજિત એક સેમિનારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઇમરજન્સીના ૫૦ વર્ષ પૂર્ણ થતા પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે આ ક્ષણને દેશના લોકતાંત્રિક ઇતિહાસની મહત્વની ક્ષણ ગણાવતા કહ્યું કે, ” જ્યારે કોઈ પણ સારી કે ખરાબ ઘટનાને ૫૦ વર્ષ થઈ જાય છે, ત્યારે લોકો તેને ભૂલવા લાગે છે. યાદશક્તિ ઝાંખી પડી જાય છે, પરંતુ આપણે ઇમરજન્સી જેવા કાળા અધ્યાયને ક્યારેય ન ભૂલવો જોઈએ.”
અમિત શાહના જણાવ્યા અનુસાર, આ ઇમરજન્સીના સમયની લડાઈ જ હતી કે જેણે ભારતમાં લોકતંત્રને જીવંત રાખ્યું અને એ દર્શાવ્યું કે ભારતની જનતા ક્યારેય તાનાશાહીને સ્વીકારતી નથી. અમિત શાહે કહ્યું કે, ઇમરજન્સી દરમિયાન માત્ર લોકતંત્રનું ગળું જ ન હતું દબાવવામાં આવ્યું, પરંતુ હજારો પરિવારોનું જીવન પણ પ્રભાવિત થયું હતું. તેમણે કહ્યું, “અનેક કારકિર્દીઓ બરબાદ થઈ ગઈ, લોકોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા અને અભિવ્યક્તિની આઝાદી છીનવી લેવામાં આવી.”
ઇમરજન્સી બાદ દેશે પ્રથમવાર બિન-કોંગ્રેસી સરકાર પસંદ કરી
અમિત શાહે જણાવ્યું કે, ગૃહ મંત્રાલયે ગયા વર્ષે ૨૫ જૂનને ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે મનાવવા નોટિફિકેશન જાહેર કર્યું હતું, જેથી નવી પેઢીને આ કાળા અધ્યાયની જાણકારી રહે. અમિત શાહે કહ્યું કે, “જ્યારે પેઢીઓ બદલાય છે, ત્યારે આવા વિષયો પર સેમિનારનું આયોજન કરવું જરૂરી બની જાય છે, જેથી લોકો ઇતિહાસમાંથી શીખ લે.”
ગૃહમંત્રીએ કહ્યું કે, “ભારત લોકતંત્રની જનની છે. આપણા સંવિધાન નિર્માતાઓએ જનતાની ભાવનાઓને શબ્દોમાં વ્યક્ત કરી છે, પરંતુ ૧૯૭૫ માં લાગુ કરવામાં આવેલી ઇમરજન્સી એવો સમય હતો, જ્યારે લોકતંત્રની હત્યા થઈ.” અમિત શાહે એમ પણ કહ્યું કે, “તાનાશાહ અને તેમના નજીકના લોકો સિવાય કોઈ પણ તે સમયે ખુશ નહોતું. આ જ કારણ હતું કે ઇમરજન્સી પછી દેશે પહેલી વખત બિન-કોંગ્રેસી સરકાર પસંદ કરી.”