Last Updated on by Sampurna Samachar
મૃતકના પરિવારે આ આરોપોને ફગાવી દીધા
મૃતક યુવકને ચપ્પુના ઘા મારવામાં આવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરતના પાંડેસરા વિસ્તારમાં બે દિવસ પહેલાં જ જેલમાંથી છૂટેલા એક આરોપીએ અંગત અદાવતમાં એક યુવકની ઘાતકી હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં મૃતક યુવકને ચપ્પુના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. આ મામલે પાંડેસરા પોલીસે ૭ લોકો સામે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાથમિક માહિતી મુજબ, મૃતક સંદીપ ઉર્ફે તિસરી રાકેશસિંહ રાજપૂતની હત્યા તેના મિત્ર અવધેશ સહાની દ્વારા કરવામાં આવી હતી, જે બે દિવસ પહેલાં જ જેલમાંથી છૂટ્યો હતો. આ હત્યા પાછળ ગાંજાના ધંધામાં થયેલી અદાવત હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, મૃતકના પરિવારે આ આરોપોને ફગાવી દીધા છે.
આ મામલે ૭ લોકો સામે હત્યાનો ગુનો દાખલ
પરિવારનું કહેવું છે કે, આ હત્યા વતનમાં ગામની જમીનને લઈને ચાલી રહેલા વિવાદને કારણે થઈ છે. તેમણે મૃતક યુવકની હત્યા પાછળ દીપુસિંગનો હાથ હોવાનો પણ આરોપ લગાવ્યો છે. મૃતક સંદીપ મૂળ ઉત્તર પ્રદેશના ફતેપુરનો વતની હતો અને તેના ભાઈઓ સાથે મહારાષ્ટ્રના પુણે ખાતેની કંપનીમાં સિક્યુરિટી તરીકે નોકરી કરતો હતો. તે ગત રોજ જ પુણેથી સુરતમાં રહેતા સંબંધીઓને મળવા આવ્યો હતો અને ત્યારબાદ રાત્રે તેના વતન ઉત્તર પ્રદેશ જવા માટે રવાના થવાનો હતો.
આ દરમિયાન, જ્યારે સંદીપ પાંડેસરા વડોદ ભોલે ટોકીઝ પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે આરોપી અવધેશ સહાની તેના સાગરીતો સાથે ત્યાં ધસી આવ્યો. તેણે સંદીપ પર હુમલો કર્યો અને તેના હાથ તથા પીઠના ભાગે ચપ્પુના અનેક ઘા માર્યા. આ હુમલા બાદ આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
હુમલાની જાણ થતા જ પાંડેસરા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ગંભીર રીતે ઇજાગ્રસ્ત સંદીપને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ, તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.
આરોપી અવધેશ સામે અગાઉ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને તે જ ગુનામાં તે તાજેતરમાં જ જામીન પર મુક્ત થયો હતો. પોલીસે આ મામલે ૭ લોકો સામે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. હત્યા પાછળનું ચોક્કસ કારણ અને અન્ય આરોપીઓને પકડવા માટે વધુ કાર્યવાહી ચાલી રહી છે.