Last Updated on by Sampurna Samachar
સાગર ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી
વાવાઝોડા અને તોફાની મોજાંને કારણે ખાલી હાથે પાછા ફરવુ પડે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમરેલી જિલ્લાના તટ વિસ્તારના રાજુલા-જાફરાબાદના માછીમારો છેલ્લા કેટલાક મહિનાથી ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. વારંવારના વાવાઝોડા, અચાનક મોજાં અને અનુકૂળ હવામાન ન હોવાના કારણે સમુદ્રમાં માછીમારી માટે જનાર બોટોને વારંવાર ખાલી હાથ પરત ફરવું પડે છે. દરિયાઈ ક્ષેત્રના આ માછીમારો, જેને સ્થાનિક સ્તરે “સાગર ખેડૂત” તરીકે ઓળખવામાં આવે છે, હવે સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે.

જાફરાબાદ કોળી સમાજના પ્રમુખ અને જાણીતા માછીમાર હમીરભાઈ સોલંકીએ જણાવ્યું કે છેલ્લા ત્રણ મહિનામાં સમુદ્રમાં પાંચ વખત માછીમારી માટે નીકળ્યા બાદ વાવાઝોડા અને તોફાની મોજાંને કારણે બોટોને મધ્ય સાગરથી જ પરત આવવું પડ્યું હતું. “દર વખતે સમુદ્રમાં જતાં હજારો લિટર ડીઝલ, મજૂરોના પગાર અને બરફના ખર્ચમાં લાખો રૂપિયા ખર્ચાય છે. એક બોટ માલિકને તો અંદાજે ૧૦ લાખ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.”
માછીમારોને હવે બોટ વેચવાની અથવા ઉધાર લેવાની ફરજ પડી
વધુમાં ઉમેર્યું કે “અમારું જીવન પણ જમીન ખેડૂત જેટલું જ જોખમભર્યું છે. જમીન ખેડૂતને પાકનું નુકસાન થાય ત્યારે સરકાર સહાય આપે છે, તો સમુદ્રમાં ખેતી કરનાર અમને પણ સહાય આપવી જાેઈએ. અમે પણ દરિયાના ખેડૂત છીએ.”
હમીરભાઈએ જણાવ્યું કે તાજેતરમાં પકડાયેલ માછલીઓની સુકવણી દરમ્યાન વરસાદ અને ભેજને કારણે મોટું નુકસાન થયું. “માછલી સુકાવવાની પ્રક્રિયા દરમ્યાન સતત ભીંજાતા આખો માલ બગડી ગયો. એટલું જ નહીં, બરફ, ડીઝલ, મજૂરો અને બોટના મેન્ટેનન્સનો ખર્ચ વધી રહ્યો છે. હવે આર્થિક રીતે મુશ્કેલી વધી ગઈ છે.”
માછીમારોના સંગઠનોએ રાજ્ય સરકારને અપીલ કરી છે કે દરિયાઈ ખેડૂતોને વિશેષ સહાય ફાળવીને તેમની આર્થિક સ્થિતિ મજબૂત કરવામાં આવે. અનેક માછીમારોને હવે બોટ વેચવાની અથવા ઉધાર લઈને ચાલવાની ફરજ પડી છે. હમીરભાઈએ સ્પષ્ટ કર્યું કે, “અમે સરકાર પાસે માત્ર સહાય નહીં, પણ ‘સાગર ખેડૂત‘ તરીકે માન્યતા પણ માંગીએ છીએ. જમીન ખેડૂતને જે હક્કો મળે છે, તે દરિયાઈ ખેડૂતોને પણ મળવા જોઈએ.”