Last Updated on by Sampurna Samachar
કામનુ દબાણ વધતાં કંટાળી ઝેર ખાઇ લીધું
તાલીમ વગર BLO તરીકે SIR ની કામગીરીમાં ડ્યૂટી સોંપાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના મેરઠમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં સિંચાઈ વિભાગમાં સિનિયર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા મોહિત નામના બાબુએ કથિત રીતે કામના અતિશય દબાણથી કંટાળીને ઝેરી પદાર્થ ખાઈ લીધો છે. મોહિતની BLO તરીકે SIR ની કામગીરીમાં ડ્યૂટી સોંપવામાં આવી હતી. હાલમાં તેઓ ગંભીર હાલતમાં મેરઠની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે.

પરિવારજનોના જણાવ્યા અનુસાર, ગઢ રોડ સ્થિત મુરલીપુરા ગામના રહેવાસી મોહિતને પલ્લવપુરમમાં મ્ન્ર્ં તરીકેની ડ્યૂટી આપવામાં આવી હતી. તેમનો આરોપ છે કે કામ પૂરું ન થવાને કારણે સુપરવાઇઝર આશિષ શર્મા દ્વારા તેમના પર સતત દબાણ બનાવવામાં આવતું હતું. સુપરવાઇઝરે ઝડપથી કામ પૂરું કરવા દબાણ કરતાં મોહિતે નારાજ થઈને ઘરે જઈ ઝેર ખાધું હતું.
વિભાગીય યુનિયનના કાર્યકર્તાઓએ હંગામો કર્યો
મોહિતની પત્ની જ્યોતિએ જણાવ્યું હતું કે આ સતત દબાણને કારણે મોહિત ડિપ્રેશનમાં હતા. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે BLO ની ડ્યૂટી સોંપવામાં આવી હોવા છતાં મોહિતને કોઈ તાલીમ આપવામાં આવી નહોતી. ઘટના બાદ વિભાગીય યુનિયનના કાર્યકર્તાઓએ હોસ્પિટલમાં જઈને હંગામો પણ કર્યો હતો.
આ ઘટનાની જાણ થતાં જ અધિકારીઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. ADM (E) સત્ય પ્રકાશ સિંહે માહિતી આપી હતી કે સુપરવાઇઝર તરફથી સમીક્ષા વધુ કરવામાં આવી રહી હતી, જેના કારણે આ ઘટના બની હોઈ શકે છે. તેમણે કહ્યું કે તેઓ પોતે દર્દીને મળ્યા હતા અને તેમની હાલત સ્થિર હોવા છતાં તેઓ હાલમાં વાતચીત કરી શકે તેમ નથી.