Last Updated on by Sampurna Samachar
ચલણી નોટોનો ઢગલો જોનારા ૧૦ સાક્ષી સામે આવ્યા
સ્ટોરરૂમમાં માત્ર પરિવારજનોને પ્રવેશ મંજૂરી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હીમાં જસ્ટિસ યશવંત વર્મા (YASHVANT VERMA) ના ઘરમાંથી મળી આવેલી લાખો રૂપિયાની ચલણી નોટોના મામલે નવા સમાચાર સામે આવ્યા છે. આ કેસની તપાસમાં સુપ્રીમ કોર્ટે દાવો કર્યો છે કે આ મામલાના ૧૦ સાક્ષીઓ છે. જેમણે મોટી માત્રામાં રોકડ જોઈ હતી. તે બધા દિલ્હી ફાયર સર્વિસ (DFS) તેમજ દિલ્હી પોલીસના અધિકારીઓ છે. સમિતિએ જસ્ટિસ વર્માના વર્તનને અકુદરતી અને શંકાસ્પદ ગણાવ્યું છે અને તેમની સામે કાર્યવાહી કરવાની ભલામણ કરી છે.
માર્ચ ૨૦૨૫ જયારે જસ્ટિસ યશવંત વર્માના સત્તાવાર નિવાસસ્થાને અચાનક આગ લાગી. ત્યારે આ રોકડ કૌભાંડનો મામલો સામે આવ્યો હતો. આગ ઓલવવા પહોંચેલા દિલ્હી ફાયર સર્વિસ અને પોલીસ અધિકારીઓએ ત્યાં મોટી માત્રામાં રોકડ જોઈ, જેમાંથી અડધી બળી ગઈ હતી.
રોકડનો ઢગલો લગભગ ૧.૫ ફૂટ ઊંચો હતો
કેટલાક સાક્ષીઓએ જણાવ્યું હતું કે રોકડનો ઢગલો લગભગ ૧.૫ ફૂટ ઊંચો હતો અને ૫૦૦ રૂપિયાની નોટો ચારે બાજુ વિખરાયેલી હતી. આ ઉપરાંત તપાસ સમિતિએ જણાવ્યું કે ફક્ત જસ્ટિસ વર્મા અને તેમના પરિવારના સભ્યો જ તે રૂમમાં પ્રવેશ કરી શકતા હતા. તેઓ બાદમાં રૂમ સાફ કરવામાં આવ્યા અને ત્યાંથી બધી નોટો ગાયબ થઈ ગઈ.
રોકડ જોનારા ૧૦ સાક્ષી : અંકિત સેહવાગ (ફાયર ઓફિસર, DFS), પ્રદીપ કુમાર (ફાયર ઓફિસર, DFS), મનોજ મહેલાવત (સ્ટેશન ઓફિસર, DFS), ભંવર સિંહ (ડ્રાઈવર, DFS), પ્રવીન્દ્ર મલિક (ફાયર ઓફિસર, DFS), સુમન કુમાર (સહાયક વિભાગીય અધિકારી, DFS), રાજેશ કુમાર (તુઘલક રોડ પોલીસ સ્ટેશન, દિલ્હી પોલીસ), સુનિલ કુમાર (ઇન્ચાર્જ, ICPCR), રૂપ ચંદ (તુઘલક રોડ પોલીસ સ્ટેશન, હેડ કોન્સ્ટેબલ), ઉમેશ મલિક (તુઘલક રોડ પોલીસ સ્ટેશન, SHO).
તપાસ સમિતિએ જસ્ટિસ વર્મા કેસમાં કહ્યું કે, જસ્ટિસ વર્માએ ક્યારેય પોલીસ કે ઉચ્ચ ન્યાયિક અધિકારીઓને રોકડ રકમની રિકવરી અંગે જાણ કરી ન હતી. તેમજ સમિતિએ જજના રોકડ રકમની જાણ ન હોવાના દાવાઓને અવિશ્વસનીય ગણાવ્યા, એવું પણ કહેવામાં આવ્યું હતું કે જો આ કાવતરું હતું તો તેમણે અત્યાર સુધી ફરિયાદ કેમ ન કરી ?
આ ઉપરાંત તપાસ સમિતિએ એવું પણ કહ્યું કે, જસ્ટિસ વર્માના અંગત સચિવ રાજિન્દર સિંહ કાર્કી અને તેમની પુત્રી દિયા વર્માએ પુરાવાનો નાશ કરવામાં ભૂમિકા ભજવી હોવી જોઈએ. તેમજ સ્ટોરરૂમમાં માત્ર પરિવારજનોને પ્રવેશ મંજૂરી હતી અને બાદમાં ત્યાંથી રોકડ ગાયબ થઈ જવી તેમજ ઘણા સ્વતંત્ર સાક્ષીઓની હાજરી અને ઘટના સ્થળના ફોટોગ્રાફ્સ અને વીડિયો કોઈપણ કાવતરાના દાવાને નકારી કાઢે છે.