Last Updated on by Sampurna Samachar
આ બેઠક મોદી સરકારની ચિંતા વધારી શકે
વિવિધ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરાશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીના નિવાસ સ્થાને 7 ઓગસ્ટના રોજ ઈન્ડિયા ગઠબંધનની બેઠક યોજાવાની છે. આ દરમિયાન રાત્રિ દરમિયાન ભોજન સમારંભ યોજાશે અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ, બેઠકમાં બિહાર વિધાનસભા ચૂંટણી, બિહારમાં ચાલી રહેતા મતદાર યાદીમાં સુધારા (SIR), મહારાષ્ટ્રમાં બનાવટી મતદારો જોડવાનો આરોપ, ઓપરેશન સિંદૂર, ભારત-અમેરિકા સમજૂતી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ઝિંકેલા ટેરિફ મામલે ચર્ચા થઈ શકે છે.
મતદારોના નામ કમી થવા પર ચિંતા વ્યક્ત કરી
આ પહેલા ઈન્ડિયા ગઠબંધનની ૧૯ જુલાઈએ વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી, જેમાં ૨૪ માંથી વધુ પક્ષો સામેલ થયા હતા. બેઠકમાં NCP-SP પ્રમુખ શરદ પવાર, RJD નેતા અને બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ, જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન અને શિવસેના UBT પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સામેલ હતા.
આ વખતે નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ બેઠકમાં સામેલ થવાની તૈયારી દર્શાવી છે. તેમણે કહ્યું કે, તેઓ બિહારમાં SIR પ્રક્રિયા પર ચર્ચા કરશે, જેને ભાજપ-જેડીયુ ગઠબંધન જીતવા માટે ઉપયોગ કરી રહ્યા છે.
કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (CPI)ના મહાસચિવ ડી.રાજાએ કહ્યું કે, રાહુલ ગાંધી વ્યક્તિગત રીતે નેતાઓને ફોન કરી રહ્યા છે. જોકે તેમણે બેઠક માટેનો એજન્ડા જણાવ્યો નથી. બીજીતરફ શિવસેના યુબીટીના નેતા પ્રિયંકા ચર્તુર્વેદીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધી કહ્યું કે, ‘પહલગામમાં આતંકવાદી હુમલો હોય કે, ઓપરેશન સિંદૂર… સરકાર કોઈ જવાબદારી દેખાડી રહી નથી.
વડાપ્રધાને પોતે કહ્યું કે, ઓપરેશન સિંદૂર હજુ ચાલી રહ્યું છે, પરંતુ બીજી તરફ સેના અને સરકારના લોકો ક્રિકેટ રમી રહ્યા છે. આ શહીદોનું અપમાન છે.’ ચતુર્વેદીએ મહારાષ્ટ્રમાં ૪૫ લાખ નવા મતદારો જોડવા અને મતદાન વખતે અંતિમ સમયમાં ૭૦ લાખ મત પડવા મામલે સવાલ ઉઠાવ્યો છે. આ ઉપરાંત બિહારમાં ૬૦ લાખથી વધુ મતદારોના નામ કમી થવા પર ચિંતા વ્યક્ત કરી છે.