Last Updated on by Sampurna Samachar
આરોપી પરણિત છે અને બે સંતાનનો પિતા
કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
પોરબંદર શહેરમાં ૬ વર્ષની બાળકી સાથે શારિરીક અડપલાની ફરિયાદ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આરોપી બાદલ ઉમેશ સોલંકી નામના પરણિત શખ્સે પોતાના પાડોશમાં રહેતી ૦૬ વર્ષની બાળકીને ઘરેથી લઇ જઇ શારિરીક અડપલા કર્યા હતા. ત્યારબાદ બાળકીએ તેના માતાપિતાને આ અંગે જાણ કરતા માતા પિતાએ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આરોપી વિરુદ્ધ પોલીસે પોસ્કો સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આ ચકચારી ઘટના અંગે સિટી ડીવાયએસપીએ જણાવ્યું હતું કે,આરોપી પરણિત છે અને બે સંતાનનો પિતા છે. આરોપી બાદલ સોલંકી ભંગારનો ધંધો કરતો હોવાનું તથા આ પહેલા પણ તેના વિરુદ્ધ ચોરી સહિતની ફરિયાદ નોંધાઇ હોવાની પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
પોરબંદરમાં સૌ કોઈ ફિટકાર વરસાવતા જોવા મળ્યા
ગત તારીખ ૫ સપ્ટેમ્બરના રોજ બનેલ આ બનાવને લઈને પોલીસે આરોપીની ધરપકડ કરી રીમાન્ડ સહિતની માગણી સાથેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નરાધમ આરોપીએ ૦૬ વર્ષની નાની બાળકી સાથે જે રીતે શારીરિક અડપલા કરવાનો જઘન્ય કૃત્ય કર્યું છે, તેને લઈને આરોપી વિરુદ્ધ પોરબંદરમાં સૌ કોઈ ફિટકાર વરસાવતા જોવા મળી રહ્યા છે અને આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.