Last Updated on by Sampurna Samachar
માતાની જાણ બહાર બાળકે ઘરમાંથી પૈસા લીધા
ચારેય સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
જામનગરમાં કબૂતરની લે-વેચના બહાને છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ શહેરના દિગ્વિજય પ્લોટ શેરી નંબર-૪૫ માં રહેતી કિંજલબેન મનસુખભાઈ માલદે નામની વણિક મહિલાએ પોતાના ૧૨ વર્ષના પુત્રને કબૂતરની લે-વેચના બહાને તેની પાસેથી કટકે કટકે ઘરમાંથી રૂપિયા ૨,૧૭,૦૦૦ ની રકમ કઢાવી લઈ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા અંગે પાડોશમાં જ રહેતા કરણસિંહ બહાદુરસિંહ સોલંકી, આદિત્યસિંહ બહાદુર સિંહ સોલંકી અને ધ્રોળની પેટ શોપના બે વેપારીઓ યુસુફભાઈ તેમજ ઇનાયતભાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

વણિક મહિલાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર પોતે પતિ સાથે છૂટાછેડા થયા બાદ ૧૨ વર્ષના બાળક સાથે એકલા રહે છે, જે દરમિયાન પાડોશી આરોપીઓએ ૧૨ વર્ષના બાળકને ફોસલાવી લીધો હતો અને કબૂતરની લે-વેચનો ધંધો કરવા માટે તેના ઘરમાંથી કટકે કટકે પૈસા કઢાવ્યા હતા.
પુત્રની પૂછપરછ કર્યા બાદ મામલો બહાર આવ્યો
જે બાળકે કબાટમાં માતા દ્વારા રખાયેલા કુલ બે લાખ સત્તર હજાર જેટલી રકમ કાઢી લઈ કરણસિંહ તેમજ આદિત્ય સિંહ અને ધ્રોળના પેટ શોપના બે વેપારીઓને આપી દીધી હતી, ત્યારબાદ કબુતર અને તેની પેટી પણ ઘરે લાવ્યો હતો.
માતાને પૈસા બાબતની ખબર પડી જતાં તેણે પુત્રની પૂછપરછ કર્યા બાદ આખરે આ મામલો સામે આવ્યો હતો અને પોતાના માસુમ બાળકને છેતરી લેનાર ચારેય સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.