છેલ્લા કેટલાય સમયથી ઠગોએ આતંક મચાવ્યો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાટણમાં હાઈટેક ટોળકીએ ૧૩ વેપારીઓ સાથે ૧૪ સ્થળોએ છેતરપિંડી આચરતા પોલીસે મહાઠગ અલ્પેશજી ઠાકોર અને નીરજ ચૌધરીની ધરપકડ કરી છે. જેમાં લાલજી સેંધાજી ઠાકોર નામનો આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે.
પાટણ જીલ્લામાં કેટલાય સમયથી ઠગોએ આતંક મચાવ્યો હતો. જેમાં મોબાઈલ એપની મદદથી બતાવતા રૂપિયા જમા થયાનો મેસેજ આવતો બાદમાં બેંકમાંથી આવે તેવો જ મેસેજ દુકાનદારોને ઠગો મોકલતા હતા. ચોંકાવનારૂ છે કે માત્ર અઢી માસમાં ૧૪ સ્થળોએ ઠગોએ છેતરપિંડી આચરી હતી. જેમાં સિદ્ધપુરના દુર્ગા જ્વેલર્સ સાથે રૂપિયા ૩૮૦૦૦ ની છેતરપિંડી આચરી હતી. પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જીલ્લામાં ઠગોએ તરખાટ મચાવ્યો હતો. પોલીસે ફરિયાદના આધારે મહાઠગ અલ્પેશજી ઠાકોર અને નીરજ ચૌધરીની ધરપકડ કરી છે. લાલાજી સેંધાજી ઠાકોર નામનો આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે. પોલીસ આ દિશામાં લાલજી ઠાકોરને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.