આ ગેંગમાં એક જ પરિવાર અને એક જ ગામના લોકો સામેલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા શહેરમાં ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આંતરરાજ્ય ચોરી કરતી ગેંગ વડોદરામાં હોવાની માહિતી મળી છે. જેથી પોલીસે આ ગેંગને ઝડપી પાડવા મજબૂત જાળ બિછાવી હતી અને પોલીસે પ્લાન મુજબ કામ કરતા તામિલનાડુની ત્રિચી ગેંગના સાગરિતોને ઝડપી પાડવામાં સફળતા મળી છે.
આ ગેંગ તામિલનાડુના રામજીનગરની છે અને વિવિધ રાજ્યોમાં પાર્ક કરેલી કારના કાચ તોડીને લેપટોપ તેમજ કિંમતી સામાનની ચોરી કરે છે. આ ગેંગ અત્યાર સુધીમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, શિરડી, પુના, નાશિક, રાજકોટ અને જામનગરમાં ચોરીને અંજામ આપી ચૂકી છે. પોલીસે આ ગેંગના ૧૨ આરોપીઓની ધરપકડ કરી છે.
ગિલોલથી કારના કાચ તોડી ચોરી કરતી હતી. ત્રિચી ગેંગે જામનગર અને રાજકોટમાં ચોરીને અંજામ આપ્યો હતો. આ ગેંગમાં એક જ પરિવારના અને એક જ ગામના સભ્યો સામેલ છે. કુલ ૧૨ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓની વાત કરીએ તો એક આરોપી કોમ્પ્યુટર એન્જિનિયર છે જે ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો જાણકાર છે તે પણ આ ગેંગમાં સામેલ હતો અને અન્ય સભ્યોને ટેકનોલોજીની મદદથી ચોરીઓ કરવામાં મદદરૂપ થતો હતો.
આ આરોપીઓના નામ જગન, બાલા, સુબ્રમણ્યમ, સેરવે, ઉદયકુમાર સેરવે, હરીશ મુથુરાજ, વિજ્ઞેશ્વર સેરવે, કિરણકુમાર સેરવે, સેલ્વકુમાર સેરવે, અગિલન સેરવે, ઐયપન સેરવે, ગોવર્ધન સેરવે, વેંકટેશ કોર્ચા, સેન્દીલ સેરવે, મોહન સેરવે હોવાનું સામે આવ્યું છે. આ તમામ આરોપીઓને હાલ તેમની કરતૂતને કારણે જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, વડોદરા પોલીસની પકડમાં આવેલા ૧૨ આરોપીઓ પાસેથી કારમાંથી લેપટોપ, આઈફોન, ટેબ્લેટ્સ, રોકડા સહિતની ચીજ વસ્તુઓની ચોરીની વસ્તુઓ મળી આવી છે. પોલીસે આરોપીઓની ઝીણવટભરી પૂછપરછ કરતાં તેમણે હાલ ૨૫ ગુનાની કબૂલાત કરી છે. આરોપીઓ પાસેથી પોલીસને ૧૦ લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં સફળતા મળી છે. ત્યારે પોલીસે ગેંગની કુંડલી કાઢવા રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે.