ફરી એકવાર વિવાદોમાં આવી કંગના રણૌતની ફિલ્મ “ઈમરજન્સી”
(સંપૂર્ણ સમાચાર સેવા)
કંગના રણૌત ફિલ્મ ‘ઈમરજન્સી’ થી બીજીવાર એકલા હાથે પ્રોડક્શન-ડિરેક્શન કરી રહી છે. આ પહેલાં એક્ટ્રેસની હોમ પ્રોડક્શન ફિલ્મ મણિકર્ણિકા હતી. હાલ કંગનાને પોતાની ફિલ્મ ઈમરજન્સીને લઈને અનેક વિવાદોનો સામનો કરવો પડી રહ્યો છે, જેનાથી કંટાળી એક્ટ્રેસે કહી દીધું કે, આ ફિલ્મથી મને મોટો પાઠ ભણવા મળ્યો છે. હવે હું ક્યારેય રાજકીય ફિલ્મ નહીં બનાવું.
ઈમરજન્સી ફિલ્મ ગત વર્ષે ૨૦૨૪ ના સપ્ટેમ્બર મહિનામાં રિલીઝ થવાની હતી. પરંતુ, દેશના પૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીની બાયોપિક હોવાના કારણે ફિલ્મના કોન્ટેન્ટ પર ઘણાં પ્રકારના વાંધા ઊઠાવવામાં આવ્યા હતાં. ફિલ્મને લઈને સેન્સર બોર્ડ પાસેથી સર્ટિફિકેટ મળવા બાબતે પણ વિવાદ થયો હતો. અનેક પ્રકારની મુશ્કેલીઓ પાર કરીને અંતે ફિલ્મને ૧૭ જાન્યુઆરીની રિલીઝ ડેટ મળી છે.
કંગનાએ પોતાની ફિલ્મ વિશે વાત કરતા કહ્યું કે, મને આ ફિલ્મથી પાઠ ભણવા મળ્યો છે. હું હવે ક્યારેય કોઈ રાજકીય ફિલ્મ નહીં બનાવું. હવે મને સમજ પડી ગઈ કે, મોટાભાગના લોકો આવી ફિલ્મો કેમ નથી બનાવતા ? ખાસ કરીને વાસ્તવિક જીવનના પાત્રો પર. મને લાગે છે કે, અનુપમ ખેરે મનમોહન સિંહના રૂપે ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ માં કામ કરીને કમાલ કરી છે. આ તેમના સર્વશ્રેષ્ઠ એક્ટમાંથી એક છે. પરંતુ, જો તમે મને પૂછો, તો હું આને ફરી ક્યારેય નહીં બનાવું.
ઈમરજન્સીની મેકિંગ દરમિયાન પણ મને ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો, પરંતુ મેં ક્યારેય તેને મારા કામની આડે ન આવવા દીધી. મેં આ સેટ પર હંમેશા સંયમ બનાવીને રાખ્યો. જો તમે પ્રોડ્યુસર છો, તો તમે કોના પર ગુસ્સો કાઢશો ? એક ડિરેક્ટરના રૂપે, તમે પ્રોડ્યુસર સાથે લડી શકો છો, પરંતુ જો બંને ભૂમિકા તમે જ ભજવી રહ્યા છો, તો તમે કોની સાથે લડશો ? હું જોશથી કહેવા ઈચ્છતી હતી કે, મને હજુ પૈસા જોઈએ છે અને હું ખુશ નથી. પરંતુ હું ક્યાં જઈને રડું ? કોને કહું ?
કંગનાએ આ વિશે વધુ વાત કરતા કહ્યું કે, ‘ગુસ્સો અને લાચારી હંમેશા મને ઘેરી લેતી. હું મહામારી દરમિયાન શૂટિંગ કરી રહી હતી. મારી પાસે મારૂ ઇન્ટરનેશનલ ગ્રુપ પણ હતું અને તે ખૂબ જ કડક માનવામાં આવે છે. તેમની પાસે કડક કોન્ટ્રાક્ટર હતાં અને દર અઠવાડિયાના અંતે મારે તેમને પૈસા ચૂકવવા પડતાં. કારણકે, તેઓ મારી ફિલ્મ માટે નક્કી હતાં. શૂટિંગ ન થયું હોય તો પણ મારે તેમને પેમેન્ટ કરવું પડતું. બાદમાં આસામમાં પૂર આવી ગયું. મારી પાસે બીજા પણ મુદ્દા હતા, જેનો હું સામનો કરી રહી હતી. હું આ ફિલ્મને બનાવવા માટે સંઘર્ષ કરી રહી હતી. હું લાચારી અને નિરાશા અનુભવતી. પરંતુ, હું મારી નિરાશા કોને દેખાડું? કોઈ જ નહતું.’
સમગ્ર વાત દરમિયાન કંગનાએ સ્વીકાર્યું કે, આ બધી વખતે મારો પરિવાર હતો અને ખાસ કરીને મારી બહેન રંગોલી ચંદેલ, જેણે મારો ગુસ્સો સહન કર્યો. એક્ટ્રેસે કહ્યું, જ્યારે તમારી પાસે મારી જેમ એક પરેશાન કરવાવાળી નોકરી હોય, તો તમે તમારા પરિવારને અવગણવા લાગો છો. કોઈ તો હોવું જોઈએ જેને તમે કંઈ પણ બોલી શકો. ક્યારેક-ક્યારેક હું તેમની સાથે વાત પણ ન કરતી. એક પરિવારનું હોવું જ સૌભાગ્યની વાત છે જેની સાથે તમે જેવા છો તેવા જ રહી શકો.’