16 વૈજ્ઞાનિકો TTP ના કબજામાં છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાનમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ પાકિસ્તાનના ૧૬ પરમાણુ વૈજ્ઞાનિકોનું અપહરણ થઈ ગયું છે. આતંકી સંગઠન તહરીકે તાલિબાન પાકિસ્તાને પાકિસ્તાનના પરમાણુ વૈજ્ઞાનિકોનું અપહરણ કર્યું છે. જેમાં અપહરણ કરાયેલા ૧૬ વૈજ્ઞાનિકોનો એક વીડિયો પણ જાહેર કર્યો છે. TTP દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં પાકિસ્તાનના વૈજ્ઞાનિક શહબાઝ સરકારને આતંકીઓની શરતો માનવા અને પોતાની સુરક્ષાની ખાતરી માટે ચેલેન્જ કરી રહ્યા છે.
તાલિબાને પાકિસ્તાનના અપહ્યત પરમાણુ વૈજ્ઞાનિકોનો વીડિયો જાહેર કર્યો છે. જાહેર કરવામાં આવેલા વીડિયોમાં પાકિસ્તાનના અધિકારી પોતાની સરકારથી વિદ્રોહીઓની માગ માનવા અને પોતાની સુરક્ષાની ગુહાર લગાવતા દેખાઈ રહ્યા છે. પાકિસ્તાન પરમાણુ ઊર્જા આયોગના ૧૬ વૈજ્ઞાનિકો હાલમાં TTP ના કબજામાં છે.
સોશિયલ મીડિયામાં આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે TTP એ ડેરા ઈસ્માઈલ ખાનમાં પાકિસ્તાન ઊર્જા આયોગના એન્જીનિયર્સને પકડી લીધા છે. લોકો કહી રહ્યા છે કે વૈજ્ઞાનિકોની આ દશા પાકિસ્તાનની ખરાબ સુરક્ષા અને સેનાની લાચારીનો નમૂનો છે. દાવો તો એવો પણ થઈ રહ્યો છે કે તહરીકે તાલિબાન પાકિસ્તાનના આતંકી પાકિસ્તાનની સૌથી મોટી યૂરેનિયમ ખાણમાંથી મોટી માત્રામાં યૂરેનિયમ લૂંટીને લઈ ગયા છે. આ યૂરેનિયમ એટામિક બોમ્બ બનાવવામાં ઉપયોગ થાય છે.