અફઘાન ધરતીનો ઉપયોગ ભારત વિરુદ્ધ થવા દેવામાં આવશે નહીં
(સંપૂર્ણ સમાચાર સેવા)
વિદેશ સચિવ વિક્રમ મિસરી હાલ દુબઈની મુલાકાતે છે. તેઓ દુબઈમાં અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી મૌલવી આમિર ખાન મુત્તાકીને મળ્યા હતા. ઓગસ્ટ ૨૦૨૧માં તાલિબાન સત્તા પર આવ્યા બાદ અફઘાનિસ્તાનની સરકાર સાથે ભારતની આ પ્રથમ ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય વાટાઘાટો છે.
આ દરમિયાન બંને પક્ષો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોથી લઈને પ્રાદેશિક વિકાસ સુધીના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ દરમિયાન અફઘાનિસ્તાનમાં ભારતની સુરક્ષાની ચિંતા, બંને દેશો વચ્ચે નજીકના ભવિષ્યમાં વિકાસ પ્રોજેક્ટ પર વિચાર કરવાની જરૂરિયાત, પાકિસ્તાનથી અફઘાન શરણાર્થીઓના પુનર્વસનમાં મદદ અંગે ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ જે બે મોટા મુદ્દાઓ પર ચર્ચા થઈ તેમાં ઈરાનના ચાબહાર પોર્ટનો ઉપયોગ અને બંને દેશો વચ્ચે ક્રિકેટનો સમાવેશ થાય છે.
મંત્રાલયે નિવેદનમાં કહ્યું કે અફઘાન સરકારે ભારતની સુરક્ષા ચિંતાઓને ધ્યાનમાં લીધી હતી. ભારતની સૌથી મોટી ચિંતા એ રહી છે કે અફઘાનિસ્તાનની ધરતી પરથી ભારત વિરોધી આતંકવાદી જૂથોને ખીલવા ન દેવાય. તાલિબાને ભારપૂર્વક જણાવ્યું હતું કે અફઘાન ધરતીનો ઉપયોગ ભારત વિરુદ્ધ થવા દેવામાં આવશે નહીં. આ દરમિયાન વિદેશ સચિવ વિક્રમ મિસરીએ ભારત અને અફઘાનિસ્તાનના લોકો વચ્ચે ઐતિહાસિક મિત્રતા પર ભાર મૂક્યો હતો. બંને પક્ષોએ ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતા માનવતાવાદી સહાયતા કાર્યક્રમોનું મૂલ્યાંકન કર્યું. અફઘાન મંત્રીએ આ માટે ભારત સરકારની પણ પ્રશંસા કરી હતી.
વાસ્તવમાં, ભારતે પડોશી દેશને ઘણા શિપમેન્ટ મોકલ્યા છે, જેમાં ૫૦ હજાર મેટ્રિક ટન ઘઉં, ૩૦૦ ટન દવાઓ, ૨૭ ટન ભૂકંપ રાહત સહાય, ૪૦,૦૦૦ લિટર જંતુનાશક દવાઓ, પોલિયોના ટીપાંના ૧૦ કરોડ ડોઝનો સમાવેશ થાય છે. તેમાં કોવિડ રસીના ૧૫ લાખ ડોઝ, વ્યસન મુક્તિ કાર્યક્રમ માટે ૧૧,૦૦૦ યુનિટ કીટ, શિયાળાના કપડાંના ૫૦૦ યુનિટ અને ૧.૨ ટન સ્ટેશનરી કીટનો સમાવેશ થાય છે.
આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે ભારતે અફઘાનિસ્તાન પર પાકિસ્તાનના હવાઈ હુમલાની નિંદા કરી છે, જેમાં ઘણા લોકો માર્યા ગયા હતા. ભારત સરકારે કહ્યું હતું કે પાકિસ્તાનને પોતાની આંતરિક નિષ્ફળતાનો દોષ પાડોશીઓ પર ઢોળવાની આદત છે, આ તેની જૂની આદત છે.