ચીનમાં HMPV અને MPOX નું સંક્રમણ વધતાં ભારતની ચિંતા પણ વધી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ચીનમાં HMPV સંક્રમણને લઈને અફરાતફરી મચી છે, આ વચ્ચે હવે એક નવા વાયરસના નવા સ્ટ્રેને હડકંપ મચાવી દીધો છે. ચીનના સ્વાસ્થ્ય અધિકારીઓએ કહ્યું કે, તેમણે નવા MPOX (મંકીપૉક્સ) સ્ટ્રેન ક્લેડ IB ની ઓળખ કરી છે. ગત વર્ષ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) તરફથી ગ્લોબલ પબ્લિક હેલ્થ ઇમરજન્સી જાહેર કરાયા બાદ આ વાયરલ સંક્રમણ અનેક દેશોમાં ફેલાઇ રહ્યો છે. જણાવી દઈએ કે, ચીનમાં HMPV અને MPOX નું સંક્રમણ વધતાં ભારતની ચિંતા પણ વધી છે.
રૉયટર્સના રિપોર્ટ અનુસાર, ચીનના રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્ર તરફથી કહેવાયું છે કે, મંકીપૉક્સના ક્લેડ ૧બી કાંગો સહિત કેટલાક આફ્રીકન દેશોમાં પહેલાથી જ ત્યાં સક્રિય છે. અહીં એક વિદેશી વ્યક્તિથી સંક્રમિત થઈને શરૂ થયો હતો. વિદેશી નાગરિકના સંપ્રકમાં આવ્યા બાદ ચાર નવા કેસ નોંધાયા છે. દર્દીના લક્ષણ હળવા છે. તેમની સ્કિન પર દાણા અને ફોલ્લી જોવા મળી છે.
ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે કહ્યું કે, MPOX ને કેટેગરી બી સંક્રામક રોગ તરીકે મેનેજ કરાશે. અધિકારી ઇમરજન્સી ઉપાય કરી શકશે. જેમ કે ભીડને રોકવી, કામ અને શાળામાં રજા જાહેર કરવી અને બીમારી ફેલાવા પર વિસ્તારને સીલ કરવો.’
ચીને ગત વર્ષ ઓગસ્ટમાં કહ્યું હતું કે, તે દેશમાં એન્ટ્રી કરનારા લોકો અને સામાનો પર MPOX ની તપાસ કરાશે. થોડાક દિવસો પહેલા સ્વાસ્થ્ય મંત્રાલયની બેઠકમાં એ વાત સામે આવી હતી કે, મંકીપોક્સ સામાન્ય રીતે બેથી ચાર અઠવાડિયાનું સંક્રમણ હોય છે અને દર્દી યોગ્ય સારવારથી સ્વસ્થ થઇ જાય છે. આ વાઇરસ સંક્રમિત વ્યક્તિની સાથે લાંબા સમય સુધી નિકટ સંપર્ક, જાતીય સંપર્ક, થૂંક જેવા પ્રવાહી પદાર્થના માધ્યમથી, શરીર સાથે સંપર્ક અથવા સંક્રમિત વ્યક્તિના કપડાંનો ઉપયોગ કરવાથી ફેલાઇ શકે છે.
વાયરસ સંક્રમિત વ્યકિતની લાર અને નાક વડે કે ખાંસે ત્યારે થુંકની માઇક્રો બુંદ દ્વારા હવામાં ફેલાય છે. આ ઉપરાંત ગર્ભવતી મહિલા થકી તેમના બાળકને થવાની શકયતા રહે છે. ગાલો પર લાલ દાણા, સાંધાનો દુખાવો, હળવો તાવ, થાક, માથાના દુખાવો અને મસલ પેઇન વગેરે લક્ષણો જોવા મળે છે. કોરોના વાયરસની જેમ જ આસપાસ સ્વચ્છતા રાખવી, હાથ પગ ધોતા રહેવું તથા સંક્રમિત વ્યકિતથી દૂર રહેવું તે જ ઉપાય છે.