અમરેલીમાં પૂર્વ વિપક્ષ નેતાએ ઉપવાસની ચીમકી આપી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમરેલીથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવાના ઈરાદાથી નકલી લેટરકાંડનો મુદ્દો સૌથી ચર્ચામાં છે. આ ઘટનામાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં એક પાટીદાર યુવતી પાયલ ગોટી હતી. પોલીસે પાયલ ગોટીનું કથિત સરઘસ કાઢવા મુદ્દે સમગ્ર ગુજરાતમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બની ગયો હતો. આ કેસમાં પાયલ ગોટીને કોર્ટમાંથી જામીન મળી ગયા છે. આ વચ્ચે એક સૌથી મોટો ખુલાસો થયો છે.
અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવાના ઈરાદાથી જે નકલી લેટર બનાવવામાં આવ્યો હતો તે લેટર કુરિયર કરવા માટે પાયલ ગોટી પહોંચી હતી. પાયલ જે જગ્યાએ લેટર કુરિયર કરવા ગઈ હતી ત્યાંના CCTV વાયરલ થયા છે. લેટરકાંડમાં ખળભળાટ મચાવતા CCTV સામે આવ્યા છે. આરોપી મનીષ વઘાસિયાએ આ લેટર કુરિયર કરવા માટે પાયલને મોકલી હતી. આ લેટરમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા પર આરોપ લગાવવામાં આવ્યા હતા. સતત બે દિવસ સુધી પાયલે અલગ-અલગ કુરિયર કર્યાં હતા. કુરિયરનું પેમેન્ટ રોકડમાં અને ઓનલાઈન કર્યું હતું.
અમરેલી લેટરકાંડમાં આરોપી પાયલ ગોટી મામલે હજુ એક મોટો ખુલાસો થયો છે. કોર્ટે પાયલ ગોટીને પોલીસના વર્તન અંગે સવાલો કર્યાં હતા. જામીન બાદ પોલીસ અંગે પાયલને સવાલ કરવામાં આવ્યા હતા. પાયલે અમરેલી કોર્ટમાં લેખિતમાં જવાબ આપ્યો હતો. પોલીસ સામે કોઈ ફરિયાદ ન હોવાનો ઉલ્લેખ પાયલે કર્યો હતો. બાદમાં પોલીસે પટ્ટાથી માર માર્યાનો દાવો પણ પાયલ દ્વારા કરવામાં આવ્યો હતો. પાયલ ગોટીએ કૌશિક વેકરિયાને પત્ર લખ્યો હતો. વેકરિયાને લખેલા પત્રમાં પોલીસ પર આરોપ લગાવ્યા હતા. અમરેલીમાં પત્રિકાકાંડમાં પાટીદાર દીકરી સાથે બનેલી ઘટના બાદ હવે તેના પડઘા પડી રહ્યાં છે. આ વચ્ચે અમરેલીમાં પૂર્વ વિપક્ષ નેતાએ ઉપવાસની ચીમકી આપી છે. પાયલ ગોટીને ન્યાય અપાવવા પરેશ ધાનાણી ઉપવાસ કરશે. ૨૪ કલાકમાં પોલિસકર્મી વિરુદ્ધ કાર્યવાહી કરવા તેમણે માંગ કરી છે. તેમણે ચીમકી આપતા કહ્યું કે, નેતાના ઈસારે યુવતીને પરેશાન કરનાર કર્મચારી પર કાર્યવાહી થાય છે. અમરેલી પોલીસવડાની કચેરી સામે ઉપવાસ કરીશ.