દિલ્હી CM ને ચુંટણી તારીખ જાહેર થતા પોતાના નિવાસસ્થાનેથી કાઢી દેવાયાનો દાવો
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ મુખ્યમંત્રી આતિશીએ કેન્દ્ર સરકાર પર તેમનું નિવાસ સ્થાન ફરી છીનવી લીધુ હોવાનો આરોપ મૂક્યો છે. આતિશીએ એક પત્રના માધ્યમથી ભાજપે અડધી રાત્રે CM પદ માટે ફાળવવામાં આવેલું નિવાસ સ્થાન તાત્કાલિક ધોરણે ખાલી કરાવ્યું હોવાનો આરોપ મૂક્યો છે.
દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ દાવો કર્યો છે કે, ‘મને મુખ્યમંત્રી માટે ઘર મળ્યું હતું. પરંતુ તેનું એલોટમેન્ટ ભાજપ સરકારે રદ કરી દીધું છે. મારૂ ઘર છીનવાઈ ગયું છે. ચૂંટણીની તારીખો જાહેર થયાના એક રાત પહેલાં જ મને મારા નિવાસ સ્થાનમાંથી બહાર કરવામાં આવી હતી.
હવે દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ છે. જેની એક રાત પહેલાં જ ભાજપની કેન્દ્ર સરકારે મારૂ સરકારી આવાસ છીનવી લીધું. આ આવાસ મને મુખ્યમંત્રી બનવા બદલ મળ્યું હતું. ત્રણ મહિનામાં બીજી વખત મને મુખ્યમંત્રી આવાસમાંથી બહાર કરવામાં આવી છે.’મુખ્યમંત્રી આતિશીએ આવાસ છીનવી લેવાની કાર્યવાહી મુદ્દે નિવેદન આપ્યું હતું કે, ‘ભાજપ વિચારે છે કે, તેઓ અમારૂ ઘર છીનવી, અમારી વિરૂદ્ધ અભદ્ર ટીપ્પણીઓ તેમજ મારા પરિવાર વિરૂદ્ધ અપશબ્દો બોલી અમને દિલ્હીવાસીઓ માટે કામ કરતાં અટકાવશે. હું દિલ્હીના લોકોની સાથે રહીશ અને દિલ્હીવાસીઓ માટે કામ કરીશ. ત્રણ મહિના પહેલાં તેઓએ મારો સામાન રસ્તા પર ફેંકી દીધો હતો. આજે ફરી મને મુખ્યમંત્રી આવાસ પરથી બહાર કાઢવામાં આવી છે.’