ફ્લેટમાં એક સદસ્ય દ્વારા દીવો કરવામાં આવ્યો જેના લીધે પડદામાં આગ લાગી
(સંપૂર્ણ સમાચાર સેવા)
બોલીવૂડના દિગ્ગજ સિંગર ઉદિત નારાયણની બિલ્ડિંગમાં રાતે આગ લાગવાનો બનાવ બન્યો હતો. ઉદિત નારાયણનું ઘર મુંબઈના અંધેરી વેસ્ટમાં આવેલ સ્કાયપન એપાર્ટમેન્ટમાં આવેલું છે. જ્યાં રાતે ૯.૧૫ વાગ્યે અચાનકથી આગ લાગી હતી. ઘટનામાં ઓક્સિજનની અછતને લઈને તેમના પાડોશમાં રહેનાર રાહુલ મિશ્રા નામની વ્યક્તિનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.
મૃતકનો ફ્લેટ ૧૧ માં માળે હતો. ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા બાદ તેને કોકિલાબેન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે તેને બચાવી શકાયો નહિ. આ સિવાય મૃતકના એક સંબંધી પણ ફ્લેટમાં હતા, તેઓ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેથી તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.
આગની જાણ ૧૦ વાગ્યે મુંબઈ ફાયર ડિપાર્ટમેન્ટને કરવામાં આવી હતી. રાતે ૧ વાગ્યે અને ૪૯ મિનિટે આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. મળતા રિપોર્ટ મુજબ ત્યાં સ્થળ પર હાજર એક વ્યક્તિએ જણાવ્યું કે પરિવારના એક સદસ્ય દ્વારા દીવો કરવામાં આવ્યો હતો. જેના કારણે પડદાઓમાં આગ લાગી હતી. મૃતકની પત્ની મદદ માટે બહાર દોડી હતી. જોકે વોચમેન અને અન્ય લોકો ત્યાં પહોંચે તે પહેલા આગ બેકાબૂ થઈ ગઈ હતી.
સિંગર ઉદિત નારાયણની વાત કરીએ તો તેઓ સુરક્ષિત છે. પરંતુ આ અકસ્માતને લઈને તેઓ પણ આઘાતમાં છે. હજુ ઉદિત નારાયણે આ મામલે કોઈ નિવેદન નથી આપ્યું. થોડાક દિવસો પહેલા સિંગર શાનના બિલ્ડિંગમાં પણ આગ લાગી હતી. તે સમયે તેમનો પરિવાર બચી ગયો હતો. ત્યારબાદ તેમણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લોકોને જણાવ્યું હતું કે તેમનો પરિવાર સુરક્ષિત છે.