ફરી એકવાર ૪૮ કલાક સુધી બરફવર્ષાનો દોર શરૂ થઈ ગયો
સોનમર્ગમાં વાતવરણ ખુશનુમા બની ગયું
(સંપૂર્ણ સમાચાર સેવા)
પૃથ્વી પરના સ્વર્ગ એવા જમ્મુ કાશ્મીરમાં જાન્યુઆરી મહિનામાં પણ મોસમનો મિજાજ યથાવત રહ્યો છે. જેના કારણે પહાડોથી લઈને મેદાની પ્રદેશ સુધી તેની અસર જોવા મળી રહી છે. જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારોમાં ફરી એકવાર બરફવર્ષાનો દોર શરૂ થઈ ગયો છે. જે આગામી ૪૮ કલાક સુધી ચાલુ રહેશે તેવી આગાહી છે. અનેક મુશ્કેલી છતાં સ્થાનિકો અને પ્રવાસીઓના ચહેરા ખુશીથી ખીલી ઉઠ્યા છે. જમ્મુ કાશ્મીરના વિવિધ વિસ્તાર બરફની ચાદર ઢંકાયેલી જોવા મળી રહી છે. અહીંયા ભારે હિમવર્ષા બાદ પહાડોથી લઈને ઘાટી સુધી તમામ સ્થળ બરફની સફેદ ચાદરમાં પથરાઈ ગયા છે.
આ તરફ જમ્મુ કાશ્મીરના સોનમર્ગમાં વાતવરણ ખુશનુમા બની ગયું છે. આકાશમાંથી અચાનક સફેદ રૂની પૂણી જેવો બરફ વરસવા લાગ્યો. જેણે વાતાવરણને ખુશનુમા અને આહલાદક બનાવી દીધું. સોનમર્ગ આવેલા પ્રવાસીઓ કુદરતના અનોખા નજારાને પોતાના મોબાઈલમાં કેદ કરતાં જોવા મળ્યા.પહાડો પર ભારે હિમવર્ષાના કારણે મેદાની પ્રદેશોમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. જોકે હજુ તો આ શરૂઆત છે કેમ કે હવામાન વિભાગે પહાડોમાં બરફવર્ષાની આગાહી કરી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બરફવર્ષાએ પહાડી રાજ્યોની રોનક બદલી નાંખી છે. જેને જોઈને મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. આશા રાખીએ કે બરફવર્ષાનો મોટી સંખ્યામાં પ્રવાસીઓ આનંદ ઉઠાવે પરંતુ બરફમાં ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે.