આ જગ્યા ઉપર લોકો દ્વારા કચરો ફેંકવાને કારણે મંદિર જમીન નીચે ઢંકાતું ગયું
(સંપૂર્ણ સમાચાર સેવા)
પટણામાં ધસી પડેલી જમીનનું લેવલ કરતી વખતે ચમત્કાર થયો છે. એ જગ્યાએથી સદીઓ જૂનું શિવ મંદિર મળી આવ્યું છે. મંદિરની અંદર પાંચ ફૂટ ઊંચો આરસથી બનેલો મંડપ છે જેમાં શિવલિંગ તેમજ પગલાંની કોતરણી જોવા મળી છે.
બિહારની રાજધાની પટણામાં ખોદકામ બાદ સેંકડો વર્ષ જૂનું મંદિર મળી આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઘટના સુલતાનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના મઠ લક્ષ્મણપુર વિસ્તારની છે. ૫ મી જાન્યુઆરી રવિવારના રોજ અહીં જમીન ગુફામાં ધસી જતાં ખોદકામ કરવામાં આવ્યું હતું. ખોદકામ દરમિયાન સેંકડો વર્ષ જૂનું શિવ મંડપ મંદિર મળી આવ્યું હતું. પટનાના મઠ લક્ષ્મણપુરમાં શિવ મંદિર મળી આવ્યું હોવાના સમાચાર ફેલાતા જ સમગ્ર વિસ્તારમાં આશ્ચર્ય ફેલાઈ ગયું હતું. આસપાસના લોકો સ્થળ પર પહોંચી ગયા અને ભગવાન શિવની સ્તુતિ કરવા લાગ્યા.
પટણામાં જ્યાં મંદિર મળ્યું ત્યાંના સ્થાનિક લોકોએ જણાવ્યું કે વર્ષો પહેલાં અહીં એક મઠ હતો. પારિવારિક વિવાદ બાદ લોકો ત્યાંથી ચાલ્યા ગયા હતા અને આસપાસના લોકોએ તેની ઉપેક્ષા કરી. સદીઓ સુધી ઉજ્જડ રહેલી એ જગ્યા ઉપર લોકો દ્વારા કચરો ફેંકવાને કારણે મંદિર જમીન નીચે ઢંકાતું ગયું. જોકે, જમીન ધસી ગયા બાદ જગ્યાને સમથળ કરવા માટે ખોદકામ કરવામાં આવ્યું ત્યારે એક ભવ્ય શિવ મંડપ મંદિર મળી આવ્યો હતો. શિવ મંડપ મંદિરના દર્શન કરવા આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ત્યાં પણ લોકોએ શિવ મંડપમાં શિવલિંગની પૂજા શરૂ કરી.
આ અંગે સ્થાનિક લોકોએ જણાવ્યું કે આ મંડપ લગભગ ૫૦૦ વર્ષ જૂનો લાગે છે. અહીં બે વીઘાનો પ્લોટ હતો અને તેના પર કેટલાક લોકોએ ગેરકાયદે કબજો કર્યો હતો. કોર્ટના આદેશ બાદ જ્યારે તેની સફાઈ અને ખોદકામ કરવામાં આવ્યું ત્યારે અંદરથી આરસના પથ્થરથી બનેલું શિવ મંડપ મંદિર મળી આવ્યું હતું. સ્થાનિક લોકોનું માનવું છે કે આ મઠમાં વધુ ખોદકામ કરવામાં આવશે. લોકો એમ પણ કહે છે કે તેના ખોદકામથી ભગવાનની ઘણી વધુ મૂર્તિઓ મળી શકે છે. સ્થાનિક લોકો ભગવાન શિવની પૂજા કરવા લાગ્યા.