નક્સલીઓએ IED બ્લાસ્ટ કરી સુરક્ષાદળ જવાનો પર હુમલો કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
છત્તીસગઢના બીજાપુરમાં નક્સલવાદીઓએ મોટો હુમલો કર્યો છે.. જેમાં IED બ્લાસ્ટમાં નવ જવાનો શહીદ થયા છે. જ્યારે અન્ય આઠ ગંભીર રૂપે ઈજાગ્રસ્ત છે. નક્સલવાદીઓએ કુટરૂ માર્ગમાં સુરક્ષાદળના વાહનને ટાર્ગેટ બનાવ્યો હતો. સુરક્ષાદળો નક્સલ પ્રભાવિત વિસ્તારો દંતેવાડા, નારાયણપુર અને બીજાપુરમાં નક્સલીઓ વિરૂદ્ધ ઓપરેશન પતાવી પરત ફરી રહ્યા હતા. ત્યારે બપોરે ૨.૧૫ વાગ્યે કુટરૂ પોલીસ સ્ટેશનના અંબેલી ગામ નજીક નક્સલીઓએ IED બ્લાસ્ટ કરી સુરક્ષાદળનું વાહન ઉડાવી દીધુ હતું.
IG બસ્તર અનુસાર, નક્સલવાદીઓએ બીજાપુરમાં IED બ્લાસ્ટમાં આઠ DRG જવાન અને એક ડ્રાઈવર સહિત નવ જવાન શહીદ થયા છે. છત્તીસગઢ વિધાનસભા અધ્યક્ષ રમન સિંહે બીજાપુર IED બ્લાસ્ટ મુદ્દે નિવેદન આપ્યું છે કે, ‘જ્યારે-જ્યારે નક્સલીઓ વિરૂદ્ધ મોટા ઓપરેશન હાથ ધરાય છે, ત્યારે આ નક્સ્લીઓ આ પ્રકારની કાયરતાભર્યું અને પીઠ પાછળ હુમલો કરતાં હોય છે. નક્સલવાદ વિરૂદ્ધ છત્તીસગઢ સરકાર જે પગલાં ઉઠાવી રહ્યા છે. તેને હવે વેગવાન બનાવાશે. સરકાર ડરશે કે ઝુકશે નહીં. તેમની વિરૂદ્ધ આકરી કાર્યવાહી ચાલુ રાખશે.’ છત્તીસગઢના નાયબ મુખ્યમંત્રી અરૂણ સાવે IED બ્લાસ્ટને વખોડતાં જવાનોની શહાદત નિષ્ફળ નહીં જાય તેનું વચન આપતાં કઠોર પગલાં લેવા નિર્દેશ આપ્યો છે. છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈએ સુરક્ષા દળોની શહાદત પર શોક વ્યક્ત કર્યો હતો.
છત્તીસગઢમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી અથડામણ ચાલી રહી છે. ગઈકાલે અબૂઝમાડ ક્ષેત્રમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં ચાર નક્સલવાદી ઠાર કરાયા હતા. તેમના મૃતદેહનો કબજો પણ સુરક્ષા દળોએ લઈ લીધો હતો. આ અથડામણમાં સુરક્ષા દળોએ એકે-૪૭ અને SLR સહિત ઓટોમેટિક હથિયારો પણ જપ્ત કર્યા હતાં. ૨૬ એપ્રિલ, ૨૦૨૩માં દંતેવાડા જિલ્લામાં સુરક્ષા દળોને લઈ જતાં વાહનને નક્સલવાદીઓએ બોમ્બથી ઉડાવી દેતાં દસ પોલીસ કર્મી અને ડ્રાઈવર શહીદ થયા હતા.
IG બસ્તર આ સમગ્ર મામલાની દેખરેખ રાખી રહ્યા છે અને પોલીસ કોઓર્ડિનેશનના વોર રૂમમાં હાજર છે. નક્સલ ઓપરેશનના ADG વિવેકાનંદ સિન્હાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, સૈનિકો પરત ફરી રહ્યા હતા ત્યારે જ IED બ્લાસ્ટ થયો હતો. આ હુમલાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. સુરક્ષા દળો દ્વારા વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે અને નક્સલીઓને પકડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નક્સલવાદીઓએ અહીં પહેલાથી જ લેન્ડમાઈન બિછાવી હતી, જેવો જ સૈનિકોનું વાહન આ લેન્ડમાઈનની અસરમાં આવ્યું કે તરત જ નક્સલવાદીઓએ તેને બ્લાસ્ટ કરી દીધો. પોલીસ અધિકારીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર, વાહનમાં ૧૫ થી વધુ સૈનિકો હતા જેઓ નક્સલ વિરોધી અભિયાનમાંથી કેમ્પ તરફ પાછા ફરી રહ્યા હતા. નક્સલવાદીઓએ પહેલા જ સૈનિકોને નિશાન બનાવવા માટે લેન્ડમાઈન બિછાવી હતી, જેના કારણે ૭ જવાનો શહીદ થયા હતા.