હવામાન વિભાગે કોલ્ડ વેવ સાથે માવઠાની આગાહી આપી
(સંપૂર્ણ સમાચાર સેવા)
છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. ત્યારે આગામી દિવસોને લઇ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી. અમદાવાદમાં હવેથી ઠંડીનું જોર વધશે. જેમાં તાપમાન ૧૨ ડિગ્રી થતાં એક અઠવાડિયા સુધી કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. આગામી અઠવાડિયે શહેરનું તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે ગગડવાની સંભાવના છે. ગુજરાતમાં સૌથી ઓછું નલિયામાં ૯ ડીગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે.
રાજ્યમાં ૨ થી ૩ ડિગ્રી તાપમાન ઘટી જશે અને ફરી ઠંડીનો ચમકારો જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બે દિવસ બાદ તાપમાનમાં સામાન્ય ઘટાડો થાય તેવી આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બને કારણે તાપમાનમાં ઘટાડો થાય તેવી આગાહી કરવામાં આવી છે. જોકે હાલ ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાઈ રહ્યાં છે જેના પગલે આગામી ૨ દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે.
હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર ૧૧ જાન્યુઆરી આસપાસ વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે ઉતર એટલાન્ટિક મહાસાગરમાં લો પ્રેશર સાનુકૂળ હશે તો આ વેસ્ટન ડિસ્ટર્બન્સથી ઉતર ભારતથી ગુજરાત સુધી કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. ભારતના મોટાભાગના વિસ્તારમાં હવામાનમાં પલટો આવશે.
૭ થી ૯ જાન્યુઆરીના મુંબઈથી કર્ણાટક સુધી વરસાદ થવાની શક્યતા રહેશે. અરબ સાગર અને બંગાળના ઉપસાગરમા પવનો આવશે. તારીખ ૧૨ થી ૧૮ સુધી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ૧૨થી ૧૮ જાન્યુઆરી દરમિયાન કેટલાક વિસ્તારમાં માવઠું થઈ શકે છે. જેથી પતંગરસીયાઓની મજા બગડશે. ૨૭મી જાન્યુઆરીથી ફેબ્રુઆરીની શરૂઆતમાં માવઠું થવાની શક્યતા રહેશે. ઉત્તરાયણના દિવસે ૧૫ કી.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જોકે, ઉત્તરાયણના દિવસે બપોરના સમયે પવન નહિ રહે. ૧૫મી જાન્યુઆરીના દિવસે પવન સારો રહેશે. કચ્છ અને વલસાડના ભાગોમાં વધુ પવન રહેશે.