PM મોદીએ દિલ્હી-મેરઠ નમો ભારત કોરિડોરનું કર્યું ઉદ્ઘાટન
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાહિબાબાદ અને ન્યૂ અશોક નગર વચ્ચે દિલ્હી-મેરઠ નમો ભારત કોરિડોરના ૧૩ કિલોમીટર લાંબા વધારાના વિભાગનું ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાન મોદી સવારે હિંડોન એરબેઝથી સાહિબાબાદ પહોંચ્યા હતા. જ્યાં વડાપ્રધાન મોદીએ સાહિબાબાદ RRTS સ્ટેશનથી ન્યૂ અશોક નગર RRTS સ્ટેશન સુધી નમો ભારત ટ્રેનની સવારી પણ કરી હતી. આ દરમિયાન તેઓ બાળકોને મળ્યો હતા. આ બાળકોએ વડાપ્રધાન મોદીને ઘણી ગિફ્ટ્સ આપી હતી, જેમાં પેઈન્ટિંગ્સ વગેરેનો સમાવેશ થાય છે.
આ પ્રોજેક્ટના ઉદ્ઘાટનથી દિલ્હી અને મેરઠ વચ્ચે મુસાફરીની પ્રક્રિયા સરળ બની જશે. આ માત્ર મુસાફરીના સમયને ઘટાડશે નહીં પરંતુ સલામતી, વિશ્વસનીયતા, હાઇ સ્પીડ અને આરામદાયક મુસાફરીનો અનુભવ પણ આપશે. હવેથી ન્યૂ અશોક નગરથી મેરઠ સાઉથની મુસાફરી વધુ સરળ બની જશે. નમો ભારત ટ્રેન સાંજે ૫ વાગ્યાથી દર ૧૫ મિનિટે મુસાફરો માટે ઉપલબ્ધ રહેશે. સામાન્ય કોચનું ભાડું ૧૫૦ રૂપિયા અને પ્રીમિયમ કોચનું ભાડું ૨૨૫ રૂપિયા હશે. આ કનેક્ટિવિટી સાથે દિલ્હી અને મેરઠ વચ્ચેની મુસાફરી ખૂબ જ આરામદાયક અને સુલભ બની જશે.
લાખો મુસાફરોને આ નવી કનેક્ટિવિટીનો સીધો ફાયદો થશે. પીએમ મોદીએ અંદાજે રૂ. ૧૨૦૦ કરોડના ખર્ચે દિલ્હી મેટ્રો ફેઝ-૪ના જનકપુરી અને કૃષ્ણા પાર્ક વચ્ચેના ૨.૮ કિલોમીટરના સ્ટ્રેચનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ દિલ્હી મેટ્રોના તબક્કનો પ્રથમ વિભાગ છે, જેનું ઉદ્ઘાટન દિલ્હી મેટ્રો નેટવર્કને વધુ વિસ્તૃત કરશે.