ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના શહાબુદ્દીન રઝવી બરેલવીનું નિવેદન
(સંપૂર્ણ સમાચાર સેવા)
છેલ્લા કેટલાક દિવસોથી મહાકુંભમાં મુસ્લિમોના પ્રવેશને લઈને વિવાદ ચાલી રહ્યો છે. સાધુ-સંતોએ મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે, તો મુસ્લિમ ધર્મગુરૂ આ વાતનો વિરોધ કરી રહ્યા છે. મહાકુંભની તૈયારીઓ વચ્ચે ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના શહાબુદ્દીન રઝવી બરેલવીએ એક નિવેદન જાહેર કર્યું છે. જેમાં તેમણે મહાકુંભના મેળા વાળી જગ્યાને વક્ફ બોર્ડની જમીન ગણાવી. સાથે જ પ્રયાગરાજના મુસ્લિમોના વખાણ કરતા કહ્યું કે, તેઓ ખુબ મોટા દિલના છે. પરંતુ અખાડા પરિષદે તેમના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી રહ્યા છે.
મૌલાના શહાબુદ્દીને કહ્યું કે, ‘પ્રયાગરાજના નિવાસી સરતાજે દાવો કર્યો છે કે કુંભના મેળાની જ્યાં તૈયારીઓ કરાઈ રહી છે તે જમીન વક્ફની સંપત્તિ છે. આ જમીન લગભગ ૫૪ વીઘા ગણાવાય રહી છે. મુસ્લિમોએ મોટું દિલ રાખતાં કોઈ વાંધો દર્શાવ્યો નથી. કુંભ મેળાની તમામ તૈયારીઓ વક્ફની જમીન પર થઈ રહી છે. પરંતુ બીજી તરફ અખાડા પરિષદ અને તેના બીજા બાબા લોકો મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી રહ્યા છે. તેમણે આ પ્રકારના વિચારો દૂર કરવા પડશે, મુસ્લિમોની જેમ મોટું દિલ દેખાડવું પડશે.’
એક દિવસ પહેલા જ તેમણે મહાકુંભમાં હજારો મુસ્લિમોના ધર્મ પરિવર્તન કરાયાની ચિંતા પણ વ્યક્ત કરી હતી. આ મામલે મૌલાનાએ મુખ્યમંત્રી યોગીને એક પત્ર પણ લખ્યો છે. પત્રમાં મૌલાનાએ આ પ્રકારના કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવવાની માગ કરી છે. પત્રમાં મૌલાનાએ લખ્યું હતું કે મને ક્યાંકથી માહિતી મળી છે કે પ્રયાગરાજમાં મહાકુંભના મેળામાં મોટી સંખ્યામાં મુસ્લિમોનું ધર્માંતરણ કરાવવામાં આવશે. તમારા નેતૃત્વવાળી યુપી સરકારમાં ધર્માંતરણ વિરૂદ્ધ કાયદો પાસ કર્યો છે, હવે એવી સ્થિતિમાં કુંભ મેળામાં મુસ્લિમોનું ધર્માંતરણ કરાવાશે તો ધર્માંતરણના કાયદામાં આવશે. તેનાથી દેશ અને રાજ્યમાં તણાવની સ્થિતિ સર્જાવાની સંભાવના છે. એટલા માટે ધર્માંતરણ કાર્યક્રમ પર રોક લગાવવામાં આવે.