વિસ્તારમાં શાંતિ જાળવવા માટે ગામમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રના જલગાંવમાં બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો. શિવસેનાના મંત્રી ગુલાબરાવ પાટિલના પરિવારને લઈ જઈ રહેલા વાહન દ્વારા હોર્ન વગાડવાને કારણે બે જૂથો વચ્ચે તણાવ વધ્યો હતો. અહેવાલો અનુસાર રાત્રે જલગાંવ જિલ્લાના પલાધી ગામમાં પથ્થરમારો અને આગજનીની ઘટના બની હતી.
મંત્રી ગુલાબરાવ પાટિલના પરિવારને લઈ જતા વાહનના ડ્રાઈવરે હોર્ન વગાડ્યા બાદ વિવાદ શરૂ થયો હતો, જેનાથી લોકો ગુસ્સે થયા હતા. આ પછી કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. ગુસ્સે ભરાયેલા ટોળાએ પથ્થરમારો કર્યો હતો. દુકાનો તથા વાહનોને આગ ચાંપી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે ૨૫ લોકો સામે કેસ નોંધ્યો છે અને તેમાંથી ૧૦ લોકોની ધરપકડ કરી છે.
જલગાંવના ASP કવિતા નેરકરે જણાવ્યું હતું કે વિસ્તારમાં શાંતિ જાળવવા માટે ગામમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. તેમણે ગામવાસીઓને કાયદાની વિરુદ્ધ ન જવા અને શાંતિ જાળવવા અપીલ કરી હતી. ધરણ ગામ પોલીસ સ્ટેશન હેઠળના પારડા ગામમાં એક નાના વિવાદને લઈને બે જૂથો વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં કેટલીક દુકાનોને આગ ચાંપવામાં આવી હતી, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે. ૨૦ થી ૨૫ અજાણ્યા લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.ગયા મહિને પરભણી શહેરમાં કલેક્ટર કચેરીની સામે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સામે મૂકવામાં આવેલી બંધારણની એક નકલમાં તોડફોડ કરવામાં આવી હતી. આ પછી વિસ્તારમાં હિંસા ફાટી નીકળી હતી. દેખાવકારોએ તેમના પર પથ્થરમારો કર્યો હતો. વાહનો અને દુકાનોને આગ ચાંપી દેવામાં આવી છે.