જમીનની ફાળવણી બાદ CPWD સાથે MOU પર સહી થશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત સરકારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના સ્મારક બનાવવા માટે પરિવારને કેટલાક વિકલ્પો આપ્યા છે. આ વિકલ્પોમાં નેશનલ મેમોરિયલ સાઈટ સહિત અન્ય કેટલાક સ્થળોના નામનો સામેલ છે, જ્યાં તેમનું સ્મારક બનાવવામાં આવે તેવી શક્યતા છે.
સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે પરિવાર દ્વારા સ્મારકની જગ્યા પસંદ કર્યા બાદ ટ્રસ્ટની રચનાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આ ટ્રસ્ટ સ્મારક નિર્માણનું આયોજન અને ત્યારપછીની તમામ પ્રવૃત્તિઓની દેખરેખ કરશે. પરિવારે હજુ સુધી કોઈ ચોક્કસ સ્થળ અંગે કોઈ ર્નિણય નથી લીધો. સ્મારકની જમીન માટે ટ્રસ્ટ અરજી કરશે.
જમીનની ફાળવણી બાદ CPWD સાથે MOU પર હસ્તાક્ષર કરવામાં આવશે. ત્યારબાદ જ સ્મારક બનાવવાનું કામ શરૂ થઈ શકશે. પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે ૨૬ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ દુનિયાને અલવિદા કહી દીધું હતું. તેમણે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારબાદ કોંગ્રેસે તેમના સ્મારકને લઈને કેન્દ્ર સરકાર પાસે માંગણી કરી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મનમોહન સિંહના સ્મારક માટે રાજઘાટ, રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ અથવા કિસાન ઘાટ પાસે એકથી દોઢ એકર જમીન આપવામાં આવી શકે છે.