આ મામલે શ્રેષ્ઠ ખાડીયા અભિયાનનાં રજૂઆત કર્તાએ આપી માહિતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના શ્રેષ્ઠ ખાડીયા અભિયાન થકી ખાડિયા કાપડીવાડ વિસ્તારમાં મીની સિવિલ હોસ્પિટલ તરીકે ઓળખાતી રેવાબહેન લલ્લુભાઈ રેફરલ હોસ્પિટલને નવેસરથી રીનોવેટ થઈ ગઈ હોવા છતાં ચાર મહિનાથી બંધ હાલતમાં ધૂળ ખાઈ રહી છે. જેને ચાલુ કરી તમામ સુવિધાઓ વસાવી ખાડીયા તેમજ નગરજનો માટે ખુલ્લી મુકવા માટે લેખિતમાં રજૂઆત કરાઈ હતી.
શ્રેષ્ઠ ખાડીયા અભિયાનનાં રજૂઆત કર્તાએ જણાવ્યું હતું કે રેવાબહેન લલ્લુભાઈ રેફરલ હોસ્પિટલ છેલ્લા ઘણાં સમયથી જીર્ણ થયેલ હોવાથી બંધ હાલતમાં હતી. જેને કોર્પોરેશન દ્વારા માતબર રકમ ખર્ચીને સંપૂર્ણપણે નવેસરથી રિનોવેટ કરવામાં આવી છે. જે માટે ખાડિયાની જનતાનો જેટલો આભાર મને એટલો ઓછો છે, પરંતુ આ સાથે દુઃખની વાત એ છે કે છેલ્લા ચારેક મહિનાથી આ બિલ્ડીંગ તૈયાર હોવે છતાં અગમ્ય કારણોસર હોસ્પિટલ ચાલુ કરવામાં નથી આવી રહી જેથી નવું રીનોવેટ કરેલું બનેલું બિલ્ડીગ ફરીથી ધૂળધાણી થઇ રહ્યું છે.
વધું સમય જતાં આ બિલ્ડીંગનો અસામાજિક તત્વો દ્વારા દુરુપયોગ થાય તેવી ભીતિ છે. લેખિતમાં રજૂઆત કરાઈ હતી કે હાલમાં બાલ ભવન નામની જગ્યામાં ઓપીડી ચલાવવામાં આવી રહી છે. જ્યાં લગભગ ૧૨ જેટલો મેડિકલ તેમજ અન્ય સ્ટાફ કામ કરી રહ્યો છે અને લગભગ ૧૦૦ જેટલા દર્દીની ઓપીડી ચાલે છે. પરંતુ, આ જગ્યાએ ડૉક્ટર સહીત સ્ટાફને બેસવા સહીતની અગવડ, પાર્કિંગની સમસ્યા, સામે જ ગંદકી વગેરે જેવા દુષણ છે. અત્યાર સુધી જગ્યાના અભાવે આ ચાલી રહ્યું હતું, પરંતુ હવે અત્યાધુનિક સગવડવાળું હોસ્પિટલ તૈયાર હોવા છતાં ત્યાં કેમ ચાલુ નથી કરવામાં આવતું તે મોટો પ્રશ્ન છે.