ભાજપને છોડીને રાષ્ટ્રીય જનતા દળ સાથે હાથ મિલાવી લે તેવી અટકળો
(સંપૂર્ણ સમાચાર સેવા)
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની ટીમે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને ‘ઈન્ડિયા’ ગઠબંધનમાં જોડાવા આમંત્રણ આપતા નીતિશ કુમાર ફરી ભાજપનો સાથ છોડી વિરોધી ગઠબંધનમાં જોડાશે એવી વાતો વહેતી થઈ છે. જોકે, પૂર્વ સાથી અને રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવે જેડી(યુ)ના વરિષ્ઠ નેતા માટે દરવાજા કાયમી બંધ કરવાનું સત્તાવાર નિવેદન આપ્યું છે.
ગત સપ્તાહે ભાજપના અધ્યક્ષ જે. પી. નડ્ડા અને ગૃહ મંત્રી અમીત શાહે બોલાવેલી બેઠકમાં નીતિશ કુમાર હાજર રહેલા નહીં તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રૂબરૂ મળવા પહોંચ્યાની વાતો સામે આવી છે. NDA અને કોંગ્રેસના નેતૃત્વ હેઠળના ગઠબંધનોમાં કૂદાકૂદ કરનારા નીતિશ કુમાર ‘પલ્ટુ’ તરીકે ખ્યાતનામ છે. છેલ્લા ચાર મહિનાથી- બિહારને વિશિષ્ટ રાજ્યનો દરજ્જો આપવા કે ડૉ. બાબાસાહેબ આંબેડકર અંગેના ગૃહમંત્રીના વિવાદિત નિવેદન- દરેક મામલે જેડીયુ ભાજપ સાથે છેડો ફાડે એવા અહેવાલો સતત આવતા રહે છે.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ફરી એક વાર પલટી મારીને ભાજપને છોડીને રાષ્ટ્રીય જનતા દળ સાથે હાથ મિલાવી લે એવી શક્યતા છે. નીતિશ અમિત શાહ દ્વારા ડો. બાબાસાહેબના અપમાન અને કેન્દ્રીય બજેટમાં બિહારને અન્યાયના મુદ્દે ૧ ફેબ્રુઆરી પછી ભાજપને છોડીને ફરી તેજસ્વી યાદવ સાથે મળીને સરકાર રચશે એવું કહેવાય છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે તાજેતરમાં નિવેદન આપેલું કે, બિહાર વિધાનસભાની ચૂંટણીમાં નીતિશ કુમાર NDA ના મુખ્યમંત્રીપદના ઉમેદવાર નથી અને ચૂંટણી પછી ધારાસભ્યો કોણ મુખ્યમંત્રી બનશે એ નક્કી કરશે.
નીતિશ કુમાર શાહના નિવેદનથી ભડકી ગયા છે. નીતિશ કુમારને લાગી રહ્યું છે કે, ભાજપે મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે કોરાણે મૂકી દીધા એ રીતે હવે પોતાને પણ વાપરીને હડસેલી દેવાની ફિરાકમાં છે અને અમિત શાહ આ યોજનાના સૂત્રધાર છે. નીતિશે ભાજપ પોતાને ફેંકી દે એ પહેલાં ભાજપને ફેંકી દેવાની યોજના ઘડી કાઢી છે.
નીતિશ કુમારે નરેન્દ્ર મોદીને પત્ર લખીને બાબાસાહેબ આંબેડકરના કથિત અપમાન મુદ્દે નારાજગી વ્યક્ત કરી છે અને શાહ માફી માગે એવી માગણી કરી છે. નીતિશ કુમારે બિહારમાં પ્રગતિ યાત્રા કાઢી તેમાં પણ ડો. બાબાસાહેબ આંબેડકરને મહત્વ આપ્યું છે. જેડીયુના કાર્યકરો બાબાસાહેબની તસવીરો સાથે યાત્રામાં હાજરી આપી રહ્યા છે અને નીતિશ કુમાર જ્યાં પણ બાબાસાહેબની તસવીર જુએ કે તરત માથું નમાવીને નમસ્કાર કરે છે.
નીતિશે ૧ ફેબ્રુઆરીના રોજ રજૂ થનારા બજેટમાં બિહારને સ્પેશિયલ સ્ટેટનો દરજ્જાે આપવાની માગણી પણ ઉઠાવી છે. મોદી સરકાર આ માગણી સ્વીકારે શકે તેમ નથી તેથી નીતિશને ભાજપને છોડવાનું બહાનું મળી જશે. CM પદ પાક્કું કરવા નીતિશકુમાર PM મોદીને મળ્યાની અટકળો ચાલી રહી છે.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પાંચ દિવસ પહેલાં મળેલી એનડીએની બેઠકમાં હાજર રહ્યા ન હતા, પરંતુ અચાનક તેમણે દિલ્હીમાં ધામા નાખ્યા છે એટલે જાત-ભાતની અટકળો ચાલી રહી છે. એક અટકળ એવી છે કે નીતિશ મોદીને મળશે. ગૃહમંત્રી અમિત શાહ, ગિરિરાજ સિંહ, સમ્રાટ ચૌધરી વગેરે બિહારના સીએમપદના નામે મગનું નામ મરી પાડતા નથી. આ બધા જ નેતાઓના નિવેદનનો સૂર એવો ઉઠે છે કે ચૂંટણી પછી સીએમનું નામ નક્કી કરીશું. અથવા તો એ બાબતે હજુ સુધી કંઈ વિચાર્યું નથી. આવા નિવેદનો પછી નીતિશ કુમારે હવે મોદીને મળીને ફાઈનલ કરવાનો રસ્તો અપનાવ્યો છે. પીએમ મોદી તેમને આગામી ચૂંટણી પછી સીએમ પદ માટે આશ્વાસન આપી દેશે તો નીતિશ એનડીએમાં રહેશે. નહીંતર ફરીથી નવાજૂની કરશે એવી ચર્ચા દિલ્હીમાં ચાલી રહી છે.
બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર સિંહાએ ૨૫ ડીસેમ્બરે અટલ બિહારી વાજપેયીના જન્મદિને યોજાયેલા કાર્યક્રમમાં ભાજપનો પ્લાન શું છે એ છતું કરી દીધું હતું. સિંહાએ કહ્યું હતું કે, બિહારમાં ભાજપ એકલા હાથે સરકાર રચે એ વાજપેયીજીને અપાયેલી સાચી શ્રધ્ધાંજલિ હશે. સિંહાએ કહેલું કે, જંગલરાજ કરનારા લોકો હજુ બિહારમાં અરાજકતા ફેલાવી રહ્યા છે અને ભાજપની સરકાર આવશે ત્યારે જ તેમના પર સંપૂર્ણ અંકુશ આવશે. સિંહાએ આડકતરી રીતે નીતિશ કુમાર બિહારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સંપૂર્ણ નિષ્ફળ ગયા હોવાનો આક્ષેપ કરી દીધો હતો. સિંહાની વાતોથી ભડકેલા જેડીયુએ ભાજપના નેતાઓને આડે હાથ લઈ લીધા. તેના કારણે સિંહાએ કલાક પછી સ્પષ્ટતા કરવી પડેલી કે, ૨૦૨૫ની ચૂંટણીમાં એનડીઓનું નેતૃત્વ નીતિશ કુમાર જ કરશે.