મુખ્યમંત્રી આતિશી ચૂંટણી મેદાનમાં ઉતરતા કાલકાજી બેઠક ખૂબ ચર્ચામાં
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીએ પોતાની વ્યૂહનીતિઓ તૈયાર કરી લીધી છે. આમ આદમી પાર્ટીએ તો તમામ ૭૦ બેઠકો પર ઉમેદવારોનું એલાન પણ કરી દીધુ છે. બીજી તરફ કોંગ્રેસે પણ દિલ્હીની સત્તા હાંસલ કરવા માટે એડી ચોટીનું જોર લગાવી દીધુ છે. હાલ કાલકાજી બેઠક ખૂબ ચર્ચામાં છે, કારણ કે ત્યાંથી મુખ્યમંત્રી આતિશી ચૂંટણી મેદાનમાં છે. બીજી તરફ કોંગ્રેસે સત્તાવાર રૂપે અહીંથી હજુ ઉમેદવારનું એલાન નથી કર્યું પરંતુ અલકા લાંબાના નામ પર મહોર લાગી ચૂકી છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસે અત્યાર સુધીમાં ૪૭ બેઠકો પર પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે કોંગ્રેસ નેતૃત્વએ સમજાવ્યા બાદ અલકા લાંબા ચૂંટણી લડવા માટે તૈયાર થઈ ગયા છે. ગયા અઠવાડિયે કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિએ કાલકાજી બેઠક પરથી મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અલકા લાંબાની ઉમેદવારી મહોર લગાવી દીધી હતી પરંતુ તેઓ ચૂંટણી લડવા માટે તૈયાર નહોતા. આ કારણોસર કોંગ્રેસની બીજી યાદીમાં કાલકાજી બેઠકનો ઉલ્લેખ કરવામાં નહોતો આવ્યો.
અલકા લાંબા ચાંદની ચોક બેઠક પરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રહી ચૂક્યા છે. ગત વખતે કોંગ્રેસની ટિકીટ પર ચાંદની ચોક વિધાનસભાથી ચૂંટણી લડ્યા હતા અને આ વખતે પણ એ જ બેઠક માટે દાવો કરી રહ્યા હતા. પરંતુ કોંગ્રેસે ચાંદની ચોકથી મુદિત અગ્રવાલને ટિકિટ આપીને અલકા લાંબાને આતિશી સામે મેદાનમાં ઉતારવાનો ર્નિણય લીધો છે.
કોંગ્રેસ દિલ્હીમાં મહિલાની સામે તેમનો સૌથી મોટો મહિલા ચહેરો ચૂંટણી મેદાનમાં ઉતારીને આમ આદમી પાર્ટીને પડકાર આપવા માગે છે. આ વ્યૂહરચના હેઠળ સંદીપ દીક્ષિતને નવી દિલ્હી બેઠક પરથી અરવિંદ કેજરીવાલ સામે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. કોંગ્રેસે જંગપુરા વિધાનસભા બેઠક પરથી દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા સામે ફરહાદ સૂરીને મેદાનમાં ઉતાર્યા છે.