વિદેશી દેવાનો કુલ સ્થાનિક ઉત્પાદનનો ગુણોત્તર સપ્ટેમ્બર ૨૦૨૪માં ૧૯.૪% હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
આ વર્ષે સપ્ટેમ્બરમાં ભારતનું વિદેશી દેવું વધીને $ ૭૧૧.૮ બિલિયન થઈ ગયું છે. આ જૂન ૨૦૨૪ કરતાં ૪.૩% વધુ છે. નાણા મંત્રાલયના ડેટા અનુસાર, સપ્ટેમ્બર ૨૦૨૩ના અંતે, વિદેશી દેવું $ ૬૩૭.૧ બિલિયન હતું. ‘ભારતનું ત્રિમાસિક વિદેશી દેવું’ શીર્ષક હેઠળના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે સપ્ટેમ્બર ૨૦૨૪માં દેશનું વિદેશી દેવું $ ૭૧૧.૮ બિલિયન ડોલર હતું. આ જૂન ૨૦૨૪ કરતાં ૨૯.૬ બિલિયન વધુ છે.
મળતા અહેવાલ મુજબ, ડેટ-ટુ-GDP રેશિયો એટલે કે વિદેશી દેવાનો કુલ સ્થાનિક ઉત્પાદનનો ગુણોત્તર સપ્ટેમ્બર ૨૦૨૪માં ૧૯.૪% હતો, જે જૂન ૨૦૨૪માં ૧૮.૮% હતો.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ‘સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં,US ડોલરમાં દેવાનો હિસ્સો ભારતના વિદેશી દેવામાં ૫૩.૪% સાથે સૌથી વધુ હતો. આ પછી ભારતીય રૂપિયો (૩૧.૨%), જાપાનીઝ યેન (૬.૬%), SDR (૫%) અને યુરો (૩%)નો નંબરે આવે છે. જૂનની સરખામણીએ સપ્ટેમ્બરના અંતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો તેમજ બિન-સરકારી ક્ષેત્રનું બાકી વિદેશી દેવું પણ નોંધપાત્ર રીતે વધ્યું છે.
રિપોર્ટ અનુસાર, લોન એ વિદેશી દેવાનો સૌથી મોટો ઘટક હતો, જેનો હિસ્સો ૩૩.૭% હતો. આ પછી કરન્સી અને ડિપોઝિટ (૨૩.૧%), ટ્રેડ ક્રેડિટ અને એડવાન્સિસ (૧૮.૩%) અને ડેટ સિક્યોરિટીઝ (૧૭.૨%) હતી. ડેટ સર્વિસ (મૂળ રકમ અને વ્યાજની ચૂકવણી) સપ્ટેમ્બર ૨૦૨૪ના અંતે વર્તમાન રસીદોના ૬.૭% હતી, જ્યારે જૂન ક્વાર્ટરમાં આ આંકડો ૬.૬% હતો.