આ મામલે ૨૨ લાખનો દારૂ અને ૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરાના દરજીપુરામાં SMC ટીમે ટ્રાન્સ કંપનીના ગોડાઉનની બાજુમાં આવેલા ખુલ્લા પાર્કિંગ પ્લોટ પર દરોડો પાડ્યો ત્યારે બુટલેગરોએ પથ્થરમારો કર્યો હતો. જેમાં સ્વબચાવમાં PI એ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું અને ત્રણ બુટલેગરોની ધરપકડ થઈ છે, જ્યારે ૮ ફરાર છે. પોલીસે દરોડો પડી ૨૨ લાખનો દારૂ અને ૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પથ્થરમારાને કારણે SMC ના વાહનોને પણ ક્ષતિ પહોંચી હતી.
વડોદરાના દરજીપુરા વિસ્તારમાં દરોડા પાડવા ગયેલી SMC ની ટીમ પર હુમલો થતાં PI એ બે રાઉન્ડ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. વહેલી સવારે દારૂના ચાલતા કટિંગ પર SMC ની ટીમ રેડ કરવા ગઈ તો બૂટલેગરોએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ હુમલામાં SMC નાં વાહનો અને કેટલાક કર્મીઓને ઇજા થઈ હોવાની માહિતી મળી હતી. આ ઘટનામાં SMC ના PI એ સ્વબચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ મામલે ત્રણ આરોપીની ધરપકડ કરી છે, જ્યારે ૮ આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. હાલ આ મામલે આગળની તપાસ હરણી પોલીસે હાથ ધરી છે.
સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે વડોદરા શહેરના વડોદરા-મુંબઈ નેશનલ હાઇવે ઉપર આવેલા દરજીપુરા બ્રિજની સામે વી. ટ્રાન્સ કંપનીના ગોડાઉનની બાજુમાં આવેલા ખુલ્લા પાર્કિંગ પ્લોટમાં બૂટલેગર ઝુબેર શફીક મેમણ કન્ટેનરમાંથી નાની ગાડીઓમાં દારૂ ભરાવી કટિંગ કરી રહ્યો છે. આ પ્રકારની બાતમી મળતાં વહેલી સવારે ૪.૦૦થી ૫.૦૦ વાગ્યા વચ્ચે SMC ની ટીમે સ્થળે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન બૂટલેગરોએ સ્ટેટ મોનિટરિંગની ટીમ ઉપર પથ્થરમારો કરતાં એસએમસીના પીઆઇ આર. જી. ખાટે બૂટલેગરની કન્ટેનર ગાડી ઉપર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
ફાયરિંગ થતાંની સાથે કુખ્યાત બૂટલેગર ઝુબેર શફીક મેમણ સહિતના આઠ શખસ ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં સ્ટેટ મોનિટરિંગ સેલે ત્રણ બૂટલેગરની ધરપકડ કરી છે, સાથે જ એક કાર, એક કન્ટેનર અને અંદાજિત ૨૨ લાખના દારૂ સહિત ૬૦ લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. આ ઘટનામાં કુખ્યાત બૂટલેગર ઝુબેર શફીક મેમણ સહિત અન્ય આઠને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. હાલ તમામ આરોપીઓ અને મુદ્દામાલને હરણી પોલીસ મથકને સોંપવામાં આવ્યો છે.