શિવરાજપુર બીચ પ્રવાસીઓની પેહલી પસંદ બની
(સંપૂર્ણ સમાચાર સેવા)
યાત્રાધામ દ્વારકા છેલ્લા દાયકામાં ટુરીઝમના વિકાસ બાદ હિન્દુ ધર્મના પ્રથમ હરોળના યાત્રાધામની સાથે સાથે દરીયાઈ વિસ્તાર હોય વિશાળ અરબી સમુદ્રના કુદરતી સૌંદર્ય સમા આહલાદક વાતાવરણની મોજ લેવા સહેલાણીઓ માટે પણ હરવા ફરવાના સ્થળ તરીકે મહત્વનું ટુરીસ્ટ પોઈન્ટ બની રહ્યું છે. આથી દર વર્ષની જેમ આ વખતે પણ ક્રિસમસના તહેવારોથી શરૂ થયેલાં મીની વેકેશન સમા સમયગાળામાં યાત્રાળુઓની સાથે સાથે સહેલાણીઓનો પ્રવાહ પણ દ્વારકા તરફ ફંટાયો છે. અને છેલ્લાં એક સપ્તાહમાં સાડા છ લાખ ભક્તોએ દ્વારકાધીશના દર્શન કર્યા છે.
ક્રિસમસના તહેવારોથી શરૂ થયેલા મીની વેકેશનના આ સમયગાળામાં યાત્રાળુઓની સાથે સાથે સહેલાણીઓનો પ્રવાહ પણ દ્વારકા તરફ ફંટાયો છે અને છેલ્લાં એક સપ્તાહથી અહીં યાત્રાળુઓનો અભૂતપૂર્વ ઘસારો જાેવા મળી રહ્યો છે. ગત એક સપ્તાહમાં જ અંદાજિત સાડા છ લાખથી વધુ ભક્તોએ દ્વારકાધીશ જગત મંદિરના દર્શન કરી, ધન્યતાનો અનુભવ કર્યો હતો.
દ્વારકાના ખાસ આકર્ષણ સમાન સ્થળોમાં જગતમંદિરના દર્શન બાદ યાત્રાળુઓએ સુદામા સેતુ, ભડકેશ્વર બીચ, દ્વારકા દર્શનના વિવિધ સ્થળો પૈકીના નાગેશ્વર જ્યોતિર્લિંગ, ગોપી તળાવ, બેટ દ્વારકાધીશ મંદિર, હનુમાન દાંડી મંદિર, રૂકિમણીજી મંદિર સહિતના પ્રમુખ આકર્ષણ સમા ધાર્મિક સ્થળો તેમજ કુદરતી સૌંદર્ય ધરાવતા સ્થળોની પણ મુલાકાત લઈ રહ્યા છે. અહીં ટુરીસ્ટ એટ્રેકશન પોઈન્ટસ ઉભા થયા હોય, લોકો નાતાલ વેકેશનમાં દ્વારકાને પહેલી પસંદ બનાવી રહ્યા છે. નાતાલના ટ્રાફીકના લીધે દ્વારકાના હોટલ ઉદ્યોગ, હોમ સ્ટે સહિત અન્ય ટુરીઝમ બેઈઝડ બજારોમાં પણ તેજી જોવા મળી રહી છે. આ સાથે જ દ્વારકા જગતમંદિર પાસે આવેલા રીલાયન્સ રોડ, ગોમતી ઘાટ, હોમ ગાર્ડઝ ચોક, સનસેટ પોઈન્ટ સહિતના પાર્કીંગ સ્થળોએ યાત્રાળુઓ તથા સહેલાણીઓના વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. સાથે સાથે શિવરાજપુર બીચ પણ પ્રવાસીઓની પહેલી પસંદ બની ગયુ છે.