અરવિંદ કેજરીવાલે પુજારી અને ગ્રંથીઓ માટે પુજારી અને ગ્રંથી સન્માન યોજના જાહેર કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે દિલ્હીવાસીઓ માટે વધુ એક સ્કીમ જાહેર કરી છે. વરિષ્ઠો અને મહિલાઓ માટે મોટી યોજનાઓ જાહેર કર્યા બાદ પુજારીઓ અને ગ્રંથીઓ માટે એક યોજના શરૂ કરી છે. અરવિંદ કેજરીવાલે મંદિરના પુજારીઓ અને ગુરૂદ્વારાઓના ગ્રંથીઓ માટે પુજારી અને ગ્રંથી સન્માન યોજના જાહેર કરી છે.
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, હું વધુ એક મહત્ત્વની જાહેરાત કરવા જઈ રહ્યો છું. યોજનાનું નામ છે પુજારી ગ્રંથી સન્માન યોજના. મંદિરોના પુજારીઓ અને ગુરૂદ્વારાઓના ગ્રંથીઓને સન્માન આપવાની જોગવાઈ હેઠળ દરમહિને રૂ. ૧૮૦૦૦ સહાય પેટે આપવામાં આવશે. દેશમાં પ્રથમ વખત પુજારી વર્ગ માટે નાણાકીય સહાય આપતી યોજના જાહેર થઈ છે. પેઢી દર પેઢી કર્મકાંડ કરતાં પુજારીઓ અને તેમના પરિવાર પ્રત્યે આપણે ક્યારેય ધ્યાન આપ્યું નથી. કેજરીવાલે જણાવ્યું કે, આ યોજના માટે ૩૧ ડિસેમ્બરથી રજિસ્ટ્રેશન શરૂ થઇ ગયું છે. કનોટ પ્લેસના હનુમાન મંદિરના પુજારીઓના રજિસ્ટ્રેશન કરાવી આ યોજનાનો શુભારંભ કરવામાં આવશે. ત્યારબાદ દિલ્હીના તમામ મંદિરો અને ગુરૂદ્વારાઓમાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે.
આ યોજનાની જાહેરાત કરતાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે, અગાઉ પણ મહિલા સન્માન સ્કીમની જાહેરાત બાદ તેના રજિસ્ટ્રેશન અટકાવવાનો પ્રયાસ ભાજપના કાર્યકરોએ કર્યો છે. મારી અપીલ છે કે, હવે તમે પુજારીઓ અને ગ્રંથીઓની આ યોજના અટકાવવાનો પ્રયાસ કરશો નહીં, નહિ તો પાપ લાગશે. પુજારીઓ અને ગ્રંથીઓ તરફથી બદદુઆ મળશે.
દિલ્હીમાં ચૂંટણી પહેલાં કેજરીવાલે મહિલા સન્માન યોજના અને સંજીવની યોજના જાહેર કરી હતી. જે હેઠળ દિલ્હીમાં ૧૮ વર્ષ કે તેથી વધુ વયની મહિલાઓને રૂ. ૧૦૦૦ પ્રતિ માસ મળશે. જો ૨૦૨૫માં આપ સરકાર ફરી સત્તા પર આવી તો આ રકમ વધારી રૂ. ૨૧૦૦ પ્રતિ માસ કરવાનું વચન પણ આપ્યું છે. તદુપરાંત સંજીવની યોજના હેઠળ સરકાર ૬૦ વર્ષ કે તેથી વધુ વયના લોકોની સારવાર ખર્ચનુ વહન કરશે.