અકસ્માતમાં ૪ લોકોનાં મોત તો અનેક લોકો ઈજાગ્રસ્ત
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તરપ્રદેશથી જગન્નાથપુરી તીર્થયાત્રા પર નીકળેલા શ્રદ્ધાળુઓની બસ ઓડિશાના બાલાસોર જિલ્લામાં ઊંડી ખીણમાં પડી ગઈ હતી. અકસ્માતમાં એક મહિલા સહિત ૪ શ્રદ્ધાળુઓની મોત થયા છે, તેમજ ૩૦ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત લોકોમાંથી ૧૩ની સ્થિતિ ગંભીર જણાવવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ, શ્રદ્ધાળુઓને લઈને એક બસ તીર્થયાત્રા પર નીકળી હતી, જેમાં બલરામપુર અને સિદ્ધાર્થનગર જિલ્લામાં આશરે ૬૧ શ્રદ્ધાળુઓ હતાં. જગન્નાથપુરી દર્શન માટે જતા સમયે ઓડિશાના બાલાસોર જિલ્લામાં જલેશ્વર બાઇપાસ પાસે બસ રસ્તામાંથી ૨૦ ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી.
બાલાસોરના એડિશનલ કલેક્ટર સુધાકર નાયકે જણાવ્યું કે, ગંભીર રૂપે ઈજાગ્રસ્ત ૧૩ તીર્થયાત્રીઓને સારવાર માટે જિલ્લા મુખ્યાલય હોસ્પિટલ માટે મોકલવામાં આવ્યા છે, તેમજ અન્ય ઘાયલ વ્યક્તિને જે.કે ભટ્ટાચાર્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર થઈ રહી છે. અકસ્માતની જાણકારી મળતા જ પોલીસ અને ફાયર અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
આ વિશે વધુ માહિતી આફતા કલેક્ટર સુધાકર નાયકે જણાવ્યું કે, ‘હાઈવે પર મધુબન ઢાબા પાસે બપોરે એક થી દોઢ વાગ્યાની આસપાસ બસ પલટી ગઈ હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક ધોરણે જલેશ્વર પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક લોકો અને મીડિયાકર્મીઓની મજજ લઈને તુરંત બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યો હતો. અકસ્માતમાં ચારના મોત થયાના સમાચાર છે. મૃતકના પરિવારજનોને મૃતદેહની ઓળખ માટે બોલાવવામાં આવ્યા હતાં. જોકે, દુર્ઘટના પાછળનું સાચું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. મૃતકોમાં કમલા દેવી, રાજેશ કુમાર મિશ્ર, રામ પ્રસાદ, સંતરામનો સમાવેશ થાય છે.
અકસ્માતમાં ઈજાગ્રસ્ત મોટાભાગના બલરામપુર જનપદના રહેવાસી છે. ઘટનાની જાણકારી મળતા પ્રદેશ ધારાસભ્ય રાજેશ યાદવે અકસ્માતમાં મોત નિપજ્યા તે લોકોના પરિવારની મુલાકાત લીધી હતી. ધારાસભ્યએ અકસ્માતમાં મોતને ભેટેલા લોકોના પરિવારને ૧૦-૧૦ લાખ અને ઈજાગ્રસ્તોને ૨-૨ લાખ રૂપિયા સહાય આપવાની માંગ કરી છે.
ઓડિશાના બાલાસોરમાં થયેલાં અકસ્માતને લઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ પ્રતિક્રિયા આપી છે. મુખ્યમંત્રીએ અકસ્માતમાં મોતને ભેટલા લોકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. સાથે જ ઈજાગ્રસ્ત લોકો જલ્દી સ્વસ્થ થઈ જાય તેવી કામના કરી છે. મુખ્યમંત્રીએ ઓડિશષાના અકસ્માતને લઈને મુખ્યમંત્રી ઓફિસને મોનિટરિંગ કરવાનો નિર્દેશ આપ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલય અને બલરામપુર તંત્ર ઓડિશા તંત્ર સાથે સંપર્ક કરી દરેક સંભવ સહાય પહોંચાડવામાં મદદ કરી રહ્યું છે.