ભારતીય રેલવેએ ઈતિહાસ રચીને વિશ્વના પ્રથમ કેબલ બ્રિજનું નિર્માણ કર્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય રેલવેએ ઈતિહાસ રચતા વિશ્વના પ્રથમ કેબલ બ્રિજનું સફળ ટેસ્ટિંગ કર્યું છે. આ સફળ ટેસ્ટિંગ સાથે ભારતીય રેલવેએ એક અનોખો રેકોર્ડ પણ બનાવી લીધો છે. જમ્મુ-કાશ્મીરના અંજી ખંડ પર બનેલા દેશના પ્રથમ એકમાત્ર સ્ટે બ્રિજનું લોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. આ સિદ્ધિ જમ્મુ અને કાશ્મીરમાં રેલવે કનેક્ટિવિટીને વધારવાની દિશામાં મોટું અને મહત્ત્તવપૂર્ણ પગલું છે, જે જાન્યુઆરી ૨૦૨૫માં શરૂ થવાની આશા છે.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્રાયલ રનનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટની પ્રગતિ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. રેલવે મંત્રાલયે જણાવ્યું કે, ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલવે લિંક (USBRL) પ્રોજેક્ટના એક પ્રમુખ ઘટક અંજી ખાડ બ્રિજ પર ટ્રાયલ રન સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે.’
ગત મહિને બનીને તૈયાર થયેલ અંજી ખાડ બ્રિજ એ એન્જિનિયરિંગનો એક ચમત્કાર છે, જેમાં સિંગલ સપોર્ટ ટાવરનું માળખું નદીના પટથી ૩૩૧ મીટર ઉપર છે. તે પોતાના લેટરલ અને સેન્ટ્રલ સ્પેન પર ૪૮ કેબલ દ્વારા સપોર્ટેડ છે અને તેની કુલ લંબાઈ ૪૭૩.૨૫ મીટર છે. આ લાંબો બ્રિજ ૧૨૦ મીટરના અંતર પર છે, જ્યારે કેન્દ્રીય તટબંધ ૯૪.૨૫ મીટર સુધી ફેલાયેલો છે. ચેનાબ બ્રિજ બાદ આ ભારતનો બીજો સૌથી ઊંચો રેલવે બ્રિજ છે, જે નદીની સપાટીથી ૩૫૯ મીટર ઉપર વિશ્વનો સૌથી ઊંચો બ્રિજ છે. બંને બ્રિજ જમ્મુ અને કાશ્મીરમાં કનેક્ટિવિટી વધારવાના હેતુથી મહત્વાકાંક્ષી USBRL પ્રોજેક્ટનો હિસ્સો છે. USBRL પ્રોજેક્ટ ૨૭૨ કિમીથી વધુ ફેલાયેલો છે, જેમાંથી ૨૫૫ કિમી પૂર્ણ થઈ ચૂક્યો છે.
શું છે ખાસિયત?
– કટરા અને રિયાસી વચ્ચેનો બાકીનો ભાગ આ મહિનાના અંત સુધીમાં પૂર્ણ થવાની આશા છે. ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક (USBRL) એ જમ્મુ અને કાશ્મીરને બાકીના ભારત સાથે જોડતી ૨૭૨ કિમી લાંબી રેલવે યોજના છે.
– તેની ગણતરી ભારતીય ઉપમહાદ્વીપના સૌથી પડકારજનક રેલવે પ્રોજેક્ટ પૈકી એકમાં કરવામાં આવે છે. આ પ્રોજેક્ટથી શ્રીનગર અને જમ્મુ વચ્ચેનો પ્રવાસ સમય છ કલાકથી ઘટીને ૩.૫ કલાક થઈ જશે.
– રેલવે પ્રોજેક્ટનું નિર્માણ ખૂબ જ તાપમાન, મોટા ભૂકંપના ક્ષેત્રો અને મુશ્કેલ ભૂપ્રદેશ જેવા કુદરતી પડકારો પર કાબુ મેળવ્યા બાદ કરવામાં આવ્યો છે.
– વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાન્યુઆરી ૨૦૨૫ માં કાશ્મીર અને દિલ્હી વચ્ચે મુસાફરી કરતા મુસાફરોને ઝડપી કનેક્ટિવિટી પ્રદાન કરતી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી દેખાડશે.
આ પુલની ઉપર એક સમયે ૩૨ રેક માલગાડીઓ અને ૫૭ ડમ્પરોને પુલ પર ચઢાવીને પુલની મજબૂતાઈનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. પુલની લંબાઈ ૪૭૩.૨૫ મીટર અને પહોળાઈ ૧૫ મીટર છે. પુલના સેન્ટરમાં ૧૯૩ મીટર ઉંચો સિંગલ તોરણ બન્યો છે. મહત્ત્વપૂર્ણ કટરા-બનિહાલ રેલવે સેક્શન પર કટરા અને રિયાસી સ્ટેશન વચ્ચે અંજી ખાડ પર બનેલા દેશના પ્રથમ સિંગલ સ્ટે બ્રિજનું આજે સફળતાપૂર્વક ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
રેલવે પાસેથી મળેલી માહિતી પ્રમાણે સંગલદાનથી રિયાસી સ્ટેશન સુધી એન્જિન અને માલગાડી ચલાવવાના ઘણા સફળ ટ્રાયલ કરવામાં આવી ચૂક્યા છે. જ્યારે ૨૫ ડિસેમ્બરે કટરા-રિયાસી રેલ્વે સેક્શન પર પ્રથમ વખત એન્જિન અને પછી લોડેડ માલગાડી ચલાવવાનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું. જેમાં પહેલા તો કટરાથી એન્જિન ૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રિયાસી સ્ટેશન પહોંચ્યું અને પછી ૩૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કટરા પરત ફર્યું.
ત્યારબાદ આજે આ રેલવે સેક્શનના ટ્રેકની દબાણ ક્ષમતા ચકાસવા માટે કટરાથી ૩૨ રેક વાળી માલગાડી રિયાસી સ્ટેશન પહોંચી. જેમાં કાંકરા ભરવામાં આવ્યા છે. તેનું કુલ વજન લગભગ ૩૩૦૦ ટન છે. માલગાડી સાથે બે એન્જિન અને બે સ્પેશિયલ બ્રેક કોચ પણ જોડાયેલા છે. બીજા દિવસે પણ માલગાડીને રિયાસી સ્ટેશન પર જ ઉભી રાખવામાં આવી હતી.