કાપોદ્રા પોલીસે ત્રણ ઈસમોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત શહેરમાં ક્રાઈમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ઓનલાઈન જુગારના પૈસાની લેતીદેતીમાં સુરતના વરાછા વિસ્તારના યુવકનું અપહરણ કરીને તેની પાસેથી એક કરોડ માંગ્યા હોવાની ફરિયાદ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાય છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી ત્રણેય ઈસમોને પકડવામાં આવ્યા છે અને ચાર લોકોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
ઘટના એવી છે કે, સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી એક યુવકના અપહરણની ઘટના સામે આવી છે. વરાછા વિસ્તારમાં આવેલ રંગ અવધૂત સોસાયટીમાં પરિવાર સાથે રહેતો આકાશ કુકડિયા નામનો યુવક ઓનલાઈનનો ધંધો કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ૨૪ ડિસેમ્બરના રોજ આકાશ કુકડિયા બપોરના સમયે મોપેડ લઈને તેના ઘરેથી ઓફિસ જતો હતો તે સમયે કાપોદ્રા સરકારી ગોડાઉન પાસે કાર અને બાઈકમાં આવેલા શખ્સોએ આકાશનું અપહરણ કર્યું હતું.
અજાણ્યા શખ્સોએ આકાશને રસ્તા વચ્ચે રોક્યો હતો અને ત્યારબાદ બળજબરીપૂર્વક તેને કારમાં બેસાડીને તેનું અપહરણ કરી લઈ ગયા હતા અને ત્યારબાદ આ શખ્સોએ આકાશને કહ્યું હતું કે, “તું બુકી છે અને તારી પાસે રાજકોટથી ૧૦ કરોડ રૂપિયા આવ્યા છે અને તારા કારણે બે માણસોએ દવા પીધી છે.” આટલું કહ્યા બાદ અપહરણકર્તાઓએ આકાશ કુકડિયાને માર માર્યો હતો અને ત્યારબાદ આકાશ પાસેથી એક કરોડ રૂપિયાની માગણી કરી હતી. જો પૈસા નહીં દે તો તેને રાજકોટ લઈ જવાની ધમકી આપી હતી અને ત્યારબાદ આકાશને અબ્રામા રોડ પર આ ઈસમો ઉતારીને ભાગી ગયા હતા. આ ઘટનાને લઈને તાત્કાલિક અસરથી આકાશ કુકડિયાએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે તપાસ કરતા સામે આવ્યું હતું કે, આકાશનું અપહરણ જે કારમાં થયું હતું તે કાર ટ્રાવેલ્સ એજન્સીમાંથી ખુશાલ નામના ઈસમે ૩૦૦૦ રૂપિયા આપીને ભાડે લીધી હતી. કારના નંબરના આધારે જ પોલીસ ટ્રાવેલ્સ એજન્સી સુધી પહોંચી હતી અને ગાડી ભાડે લઈ જનાર વ્યક્તિની વિગત મેળવીને પોલીસ આરોપીને પકડવામાં સફળ રહી હતી. પોલીસે આ સમગ્ર મામલે ત્રણ ઈસમોની ધરપકડ કરી છે અને ગુનામાં ઉપયોગમાં લેવામાં આવેલી કાર પણ કબજે કરી છે. તો જનક, રવિ અને વિમલ સહિત કુલ ચાર શખ્સોને વોન્ટેડ પણ જાહેર કર્યા છે. આ ત્રણેયની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, ખુશાલને આકાશ પાસેથી અઢી લાખ રૂપિયા લેવાના હતા અને આ અઢી લાખ રૂપિયાની લેતીદેતીમાં જ ખુશાલે જ આકાશના અપહરણનો પ્લાન બનાવ્યો હતો અને તેનું અપહરણ કરવામાં આવ્યું. હાલ આ સમગ્ર મામલે કાપોદ્રા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.