બાળકીનું અકાળ મોત થતાં પરિવારમાં શોક
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં પતંગ ચગાવતા ધાબા પરથી પડી જતા બાળકીનું મોત થયાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી બાળકી પતંગ ચગાવતી વખતે છઠ્ઠા માળેથી નીચે પટકાતા ગંભીર રીતે ઘાયલ થતા સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બાળકીનું અકાળ મોત થતાં પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
બીજી તરફ પતંગની દોરી વડે એક યુવકનું ગળું કપાતા મોત થયું હતું. આ ઘટના કીમ રેલ્વે ઓવરબ્રિજ પર બની હતી, જ્યાં પતિ-પત્ની બાઇક પર ઘરે જઇ રહ્યા હતા, ત્યારે પતંગની દોરીથી પતિને ગળાના ભાગે ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજ્યું હતું. આ પહેલા પણ આવી જ ઘટનામાં એક યુવકનું મોત થયું હતું. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના શારદાગામમાં યુવક પત્ની સાથે બાઇક પર ઘરે આવી રહ્યા હતા અને તેઓ કીમ રેલવે ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કીમ ચોકડી તરફ જતા હતા. ત્યારે અચાનક પતંગની દોરી શૈલેષભાઈના ગળામાં ભરાતા તેમના ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ગળાના ભાગે ગંભીર ઈજા થતાં શૈલેષભાઈનું ગળું કપાઈ ગયું હતું. તેને પહેલા કીમની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ તેને વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ સિવિલ હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું.