અરુણાચલ પ્રદેશ ૭૩ રનમાં ઓલઆઉટ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ ખાતે વિજય હજારે ટ્રોફી ૨૦૨૪/૨૫ ની ગ્રુપ C મેચ અરુણાચલ પ્રદેશ અને મુંબઈ વચ્ચે રમાઈ રહી હતી, જેમાં મુંબઈની ટીમે શાનદાર રમત બતાવી હતી. બોલિંગ ઉપરાંત બેટિંગમાં પણ અરુણાચલ પ્રદેશની ટીમને હાર આપી હતી. મુંબઈ ટીમના કેપ્ટન શાર્દુલ ઠાકુરની કેપ્ટનશીપ હેઠળ ટીમે અરુણાચલ પ્રદેશને માત્ર ૩૩ બોલમાં હરાવ્યું હતું.
ટોસ જીત્યા બાદ મુંબઈની ટીમે ફિલ્ડિંગ કરવાનો ર્નિણય કર્યો જે સાચો સાબિત થયો. પ્રથમ બેટિંગ કરવા આવેલા અરુણાચલ પ્રદેશની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. અરુણાચલ પ્રદેશનો કોઈપણ ખેલાડી ૧૭ થી વધુ રન કરી શક્યો નહોતો. અરુણાચલ પ્રદેશ માટે યાબ નિયાએ ૧૦ બોલમાં સૌથી વધુ ૧૭ રન બનાવ્યા હતા. આ સિવાય તાચી ડોરિયા ૪૮ બોલનો સામનો કર્યા બાદ માત્ર ૧૩ રન જ કરી શક્યો હતો. અરુણાચલ પ્રદેશની આખી ટીમ ૩૨.૨ ઓવરમાં ૭૩ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.
વિનાયક ભોઈર સિવાય મુંબઈના તમામ બોલરોએ વિકેટ લીધી હતી. કેપ્ટન શાર્દુલ ઠાકુર ઉપરાંત હર્ષ તન્ના, હિમાંશુ સિંહ અને અથર્વ અંકોલેકરે ૨-૨ વિકેટ લીધી હતી. રોયસ્ટન ડાયસ અને સૂર્યાંશ શેડગેએ ૧-૧ વિકેટ ઝડપી હતી, જેના કારણે મુંબઈને માત્ર ૭૪ રનનો ટાર્ગેટ મળ્યો હતો. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈની ટીમ માટે આ ટાર્ગેટ ખૂબ જ સરળ સાબિત થયો હતો.
મુંબઈના ઓપનર અંગક્રિશ રઘુવંશીએ ૨૭૭.૭૭ના સ્ટ્રાઈક રેટથી માત્ર ૧૮ બોલમાં અણનમ ૫૦ રન બનાવ્યા હતા. મુંબઈએ આ લક્ષ્ય માત્ર ૫.૩ ઓવરમાં હાંસલ કર્યો અને એક વિકેટ ગુમાવીને ૭૭ રન બનાવી લીધા હતા. જે બાદ મુંબઈ અરુણાચલ પ્રદેશને ૯ વિકેટે હરાવવામાં સફળ રહ્યું હતું હતું.