પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણે ઉઠાવ્યા સવાલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
વિરાટ કોહલી અને સેમ કોન્સ્ટેસા વચ્ચે જે થયું તેના કારણે વિરાટ કોહલીની ૨૦ ટકા ફી કપાઈ છે. આ પછી ઓસ્ટ્રેલિયાના અખબારોમાં વિરાટ કોહલીને જોકર તરીકે ચિતરવામાં આવ્યો છે, આ મામલે હવે ભારતીય પૂર્વ ક્રિકેટર્સ ગુસ્સામાં છે, તેઓ ઓસ્ટ્રેલિયાની ધરતી પરથી આ બાબતોનો વિરોધ કરી રહ્યા છે. ભારતીય પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણે કહ્યું કે જ્યારે કોઈ ભૂલના કારણે રેફરી એક્શન લે છે તો તે રેફરીનું કામ છે, પરંતુ જે રીતે ભારતીય ખેલાડીઓ સાથે વર્તન થઈ રહ્યું છે તે જરાય ચલાવી લેવાય તેવું નથી. વિરાટ કોહલીનો જે રીતે ઓસ્ટ્રેલિયાના અખબારોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે અંગે ઈરફાને સવાલ ઉઠાવીને કહ્યું કે, તમે જે વ્યક્તિને કિંગ બનાવો છો તેને જ જોકર કઈ રીતે કહી શકો?
ઓસ્ટ્રેલિયાના અખબારો અને એક એક્સ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરનું નામ લીધા વિના કહ્યું કે, તમે ડબલ ઢોલકીની હદો પાર કરી રહ્યા છે, જેનું કારણ એ છે કે એક તરફ તમે કોઈ વ્યક્તિને રાજ બનાવી રહ્યા છો અને પછી તે એગ્રેશન બતાવે તો તમે તેને જોકર કહો છો. તમારે ક્રિકેટરને વધારે ફેમસ કરવું છે પરંતુ કઈ રીતે? તમે વિરાટ કોહલીની માર્કેટ વેલ્યુનો ઉપયોગ કરીને તેના ખભા પર ચઢીને જે કરી રહ્યા છો તેને અમે ક્યારે સ્વીકારી શકીએ નહીં. પૂર્વ ક્રિકેટર તરીકે અમે આ બાબતનો સ્વીકાર નહીં કરીએ. આવું વર્ષોથી થાય છે અને આગળ પણ થશે.. જો આજે આપણે તેનું ખંડન ન કરીએ તો..
ઈરફાને પોતાનો કિસ્સો ઉલ્લેખીને કહ્યું કે, ડેવિયન માર્ટિનની વિકેટ લીધી ત્યારે મને દંડ કરવામાં આવ્યો હતો. તે વખતે મે માત્ર તાળી પાડી હતી, પરંતુ ગાળ દેવાની શરુઆત ડેનિયલ માર્ટિને કરી હતી, ડેનિયલ માર્ટિનને ખુલ્લા છોડી દેવામાં આવ્યા અને હું ફસાઈ ગયો. આ ઘટના અહીં ઓસ્ટ્રેલિયામાં જ બની હતી. આમનું જે પાત્ર છે એ બહુ વર્ષોથી આમનું આમ જ છે. જેઓ બહારથી આવે છે તેઓ કાયદાનું પાલન કરે, પણ તમે નહીં કરો.. આ વાતને આગળ ચલાવીને સુનિલ ગાવસ્કરે કહ્યું કે, જે જૂની વાત છે અમે (ઓસ્ટ્રેલિયા) કરશે તો ઠીક છે, તમે (વિરાધી ટીમ) કરશો તે યોગ્ય નથી.
નોંધનીય છે કે, એક ઘટના એવી પણ છે કે, જ્યારે માર્નસ લાબુશેન પીચની વચ્ચે ચાલે છે ત્યારે રોહિત શર્મા તેને આમ કરવાની ના પાડે છે તે મામલે કોઈ એક્શન લેવાયા નહીં પરંતુ વિરાટ કોહલી અને અગાઉ મોહમ્મદ સિરાજ સામે એક્શન લેવાયા હતા, જેમાં ટ્રાવિસ હેડે સિરાજને ગાળ દીધી હોવા છતાં તેની સામે કોઈ જાતના પગલાં ભરવામાં આવ્યા નહોતા.