શિષ્યવૃત્તિ બંધ થવાથી તેમના શિક્ષણ પર ગંભીર અસર પડી
(સંપૂર્ણ સમાચાર સેવા)
આદિવાસી વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિ બંધ કરવાના મુદ્દે બિરસા મુંડા ભવન ખાતે ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું.. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની આગેવાનીમાં શિષ્યવૃત્તિ યોજના ફરી શરૂ કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભવન પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓના આ આંદોલન દરમિયાન પરિસ્થિતિ તણાવપૂર્ણ બની હતી.
અનુસૂચિત જનજાતિ માટેની મેનેજમેન્ટ ક્વોટાની સ્કોલરશીપ સરકાર દ્વારા બંધ કરાતા વિદ્યાર્થીઓએ આ ર્નિણય વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, શિષ્યવૃત્તિ બંધ થવાથી તેમના શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે. ઘણા વિદ્યાર્થીઓ માટે આ શિષ્યવૃત્તિ તેમના ભણતરની એકમાત્ર આશા છે અને તે બંધ થવાથી તેઓ ઉંચા અભ્યાસના ખર્ચને પહોંચી વળતા નથી.
વિદ્યાર્થીઓ અને પોલીસે બિરસા મુંડા ભવનમાં પ્રવેશ માટે ઘર્ષણ કર્યું, જેનાથી પરિસ્થિતિ વધુ તણાવપૂર્ણ બની. ભવનના દરવાજા બંધ કરીને પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો હતો. ગાંધીનગર એસપીએ સ્થળ પર પહોંચીને પરિસ્થિતિ કાબૂમાં લાવી. આંદોલનકારીઓને છમ્ફઁના નેતાઓનો પણ સાથ મળ્યો છે. છમ્ફઁના દિપ દેસાઈએ મીડિયાને જણાવ્યું કે, “આદિવાસી વિદ્યાર્થીઓ માટેની શિષ્યવૃત્તિ બંધ કરવી એક ગંભીર ખોટ છે. આ યોજનાને તાત્કાલિક ફરી શરૂ કરવાની માંગ અમે સરકાર સમક્ષ રાખી છે.”
વિદ્યાર્થીઓની મુખ્ય માંગ છે કે,અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટેની મેનેજમેન્ટ ક્વોટાની શિષ્યવૃત્તિ વહેલી તકે ફરી શરૂ થાય. તેઓએ દાવો કર્યો કે આ યોજના અનેક વર્ષોથી આદિવાસી વિદ્યાર્થીઓને ઉચિત શિક્ષણ પ્રાપ્ત કરવામાં મદદરૂપ થઈ છે અને તે બંધ કરવી તેમને શૈક્ષણિક અન્યાય સમાન છે. આ આંદોલન ગાંધીનગર સહિત રાજ્યના અન્ય આદિવાસી વિસ્તારોમાં પણ પ્રભાવ પાડે તેવી શક્યતા છે. અન્ય વિસ્તારોમાંથી વિદ્યાર્થીઓ આ આંદોલન સાથે જોડાવા માટે તૈયાર હોવાનું જાણવા મળ્યું છે.