બારામતીના સાંસદ સુપ્રિયા સુલનેએ આપ્યું નિવેદન
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ મહાવિકાસ અઘાડી EVM પર સવાલો ઉઠાવી રહી છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને કોંગ્રેસે બેલેટ પેપર દ્વારા ફરીથી ચૂંટણી કરાવવાની માંગ કરી હતી. EVM ને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ દરમિયાન, તેમના પોતાના સહયોગી શરદ પવારની NCP એ તેને ફગાવી દીધી છે.
શરદ પવારની પુત્રી અને બારામતીના સાંસદ સુપ્રિયા સુલનેએ કહ્યું કે, જ્યાં સુધી તેમની પાસે છેડછાડના દાવાઓને સમર્થન આપવા માટે નક્કર પુરાવા ન હોય ત્યાં સુધી EVM ને દોષી ઠેરવવુ ખોટું છે. મેં પોતે ૪ વખત આ EVM નો ઉપયોગ કરીને ચૂંટણી જીતી છે.’ પુણેની મુલાકાતે આવેલા સુપ્રિયા સુલેએ પત્રકારો સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે , ‘મને લાગે છે કે જ્યાં સુધી મારી પાસે કોઈ નક્કર પુરાવા નથી ત્યાં સુધી આરોપ લગાવવો મારા માટે યોગ્ય નથી. હું એક જ EVM થી ચાર ચૂંટણી જીતી છું.’
જોકે, સુપ્રિયા સુલેએ એ પણ ઉલ્લેખ કર્યો કે ઘણા લોકો અને રાજકીય પક્ષો, જેમ કે BJD અને આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે તેમની પાસે પુરાવા છે. BJD સાંસદ અમર પટનાયકે તેમના વિરોધને સમર્થન આપવા માટે તેમને પત્ર દ્વારા કેટલાક ડેટા મોકલ્યા હતા. જોકે, તેમણે આ ડેટાની વધુ વિગતો જાહેર કરી ન હતી. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઘણા વિપક્ષી દળો તેમની ચિંતાઓ અને આરોપો જાહેર કરી રહ્યા છે અને ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા પર સવાલો ઉઠાવી રહ્યા છે.