આ મામલે ICC એ મેચ ફીના ૨૦% દંડ ફટકાર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝની ચોથી મેચ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ હતી. મેચના પહેલા દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધીમાં ઓસ્ટ્રેલિયાએ પોતાની પહેલી ઈનિંગમાં ૬ વિકેટના ભોગે ૩૧૧ રન કરી લીધા. સ્ટીવ સ્મિથ ૬૮ રન અને પેટ કમિન્સ ૮ રન કરીને ક્રિઝ પર હતા. મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો ર્નિણય લીધો હતો.
ત્યારે મેચના પહેલા જ દિવસે બબાલ જોવા મળી હતી. જેમાં ૧૯ વર્ષના ડેબ્યુટેન્ટ સેમ કોન્સ્ટાસ અને ભારતીય ધૂરંધર ખેલાડી વિરાટ કોહલી વચ્ચે ગરમા ગરમી જોવા મળી હતી. ઓસ્ટ્રેલિયા માટે ૧૯ વર્ષનો વિસ્ફોટક ઓપનર સેમ કોન્સ્ટસે ટેસ્ટ ક્રિકેટ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જોરદાર શરૂઆત કરી. સેમે નાથન મેકસ્વીનીની જગ્યા લીધી. આ મેચ દરમિયાન સેમ કોન્સ્ટસે ભારતીય ફાસ્ટ બોલરોને ખુબ પરેશાન કર્યા.
આ ઘટના ઓસ્ટ્રેલિયાની ઈનિંગની ૧૧મી ઓવરની છે. વિરાટ કોહલી અને સેમ કોન્સ્ટસ વચ્ચે આ દરમિયાન ભિડંત થઈ અને કોહલીએ જાણી જોઈને સેમ કોન્સ્ટસ સાથે ખભો અથડાવ્યો. સેમ પણ પછી પાછળ ન હટ્યો અને તેણે વિરાટને કઈક કહ્યું. ત્યારબાદ વિરાટ કોહલી અટક્યો અને વળ્યો. જોત જોતામાં તો બંને વચ્ચે જોરદાર તણખા ઝરવા લાગ્યા. સેમ કોન્સ્ટસ સાથે બેટિંગ કરી રહેલા ઉસ્માન ખ્વાજાએ હસતા હસતા વિરાટ કોહલીના ગળામાં હાથ નાખીને સ્થિતિને શાંત કરવાનો પ્રયત્ન કર્યો.
મેચ દરમિયાન કોમેન્ટ્રી કરી રહેલા રિકી પોન્ટિંગે કહ્યું કે જુઓ વિરાટ ક્યાં ચાલી રહ્યા છે. વિરાટે આ ટકરાવને ભડકાવ્યો છે. મારા મનમાં એ વાતને લઈને કોઈ શંકા નથી. અત્રે જણાવવાનું કે આ ઘટના ઓસ્ટ્રેલિયાની ઈનિંગની ૧૧મી ઓવરની છે. જસપ્રીત બુમરાહ તે વખતે બોલિંગ કરતો હતો. ઓવરના ચોથા બોલ પર સેમ કોન્સ્ટસે ઝડપથી ૨ રન લીધા ત્યારે વિરાટ કોહલી ચાલતા ચાલતા સેમ કોન્સ્ટસ સાથે અથડાયો. ટક્કર એટલી જબરદસ્ત હતી કે સેમ કોન્સ્ટસ પણ વિરાટ કોહલીને ઘૂરવા લાગ્યો અને દલીલ કરવા લાગ્યો. હવે આ સમગ્ર મામલે ICC એ લગભગ પાંચ કલાકમાં જ કાર્યવાહી કરી છે. ICC એ મેચ ફીના ૨૦% દંડ ફટકાર્યો. આ સાથે જ એક ડિમેરિટ અંક પણ કોહલીને મળ્યો છે. એટલે કે આ ર્નિણયના પગલે કોહલી સસ્પેન્શનથી બચી ગયા છે.