૧૩ વર્ષથી નાની ઉંમરના બાળકોએ હંમેશા કારની પાછલી સીટ પર બેસવું જોઈએ : અમેરિકન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી મુંબઈના વાશીમાં એક ૬ વર્ષના બાળકનું કારની એરબેગના કારણે મોત થયું હોવાના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. કાર દુર્ઘટનાના કારણે અચાનક એરબેગ ખુલી ગઈ અને ઝટકો લાગવાથી બાળકનું મોત થયું હોવાનું કહેવાય છે. ત્યારબાદ હવે બાળકને કારમાં આગળ બેસાડવા અંગે સવાલ ઊભા થઈ રહ્યા છે.
બનાવની વિગત કઈક એવી છે કે વાશીમાં માવજી અરોઠિયા રાતે બાળકોને પાણીપુરી ખવડાવવા માટે લઈ જઈ રહ્યા હતા. જેમાં હર્ષ પણ સામેલ હતો. હર્ષ ડ્રાઈવર સીટની બાજુવાળી સીટ પર બેઠો હતો. રાતે લગભગ ૧૧.૩૦ વાગે વાશીના સેક્ટર ૨૮ માં બ્લ્યુ ડાયમંડ હોટલ જંકશન પાસે હતા. તેમની કારની આગળ એક કાર ચાલતી હતી. પૂર પાટ ઝડપે જઈ રહેલી કાર અચાનક ડિવાઈડર સાથે અથડાતા પાછળ આવી રહેલી વેગનાર કાર કે જેમાં હર્ષ બેઠો હતો તેનું બોનેટ SUV કાર સાથે અથડાયું હતું. જેથી ઝટકો લાગતા જ અચાનક એરબેગ ખુલી ગઈ અને હર્ષ ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધો.
મીડિયા રિપોર્ટ મુજબ ડોક્ટરે કહ્યું કે હર્ષના શરીર પર કોઈ ઈજાના નિશાન નહતા, પરંતુ તેનું મોત પોલીટ્રોમા શોકના કારણે થયું છે. પોલીટ્રોમા શરીરમાં એકથી વધુ જગ્યાએ લાગેલી આંતરિક ઈજાને કહે છે. ઈન્ટરનલ ઈન્જરીના કરાણે હર્ષના બોડીમાં અંદર લોહી વહેતુ રહ્યું અને હર્ષનું મોત થયું. પોલીસે અકસ્માત અંગે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે હાલ તો SUV કાર ચાલક વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. પોલીસનું કહેવું છે કે તપાસ પૂરી થયા બાદ સંપૂર્ણ જાણકારી આપવામાં આવશે. અકસ્માતમાં માવજીભાઈ અને હર્ષના ભાઈ બહેનોને પણ સામાન્ય ઈજા થઈ છે.
અમેરિકન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ (AAP)ના જણાવ્યાં મુજબ ૧૩ વર્ષથી નાની ઉંમરના બાળકોએ હંમેશા પાછલી સીટ પર બેસવું જોઈએ. દુર્ઘટના થાય તે સ્થિતિમાં પાછળની સીટ આગળની સીટની સરખામણીમાં ૭૦ ટકા વધુ સેફ હોય છે. આ ઉપરાંત બાળકને ક્યારેય ફ્રન્ટ એરબેગવાળી સીટ પર બેસાડવો જોઈએ નહીં. ફ્રન્ટ એરબેગ એડલ્ટ વ્યક્તિ પ્રમાણે ડિઝાઈન કરાય છે. અચાનક ખુલી જાય તો બાળકને ગંભીર ઈજા થઈ શકે છે કે દમ ઘૂટી શકે છે. એક્સપર્ટે જણાવ્યું કે લોકોએ કારમાં ચાઈલ્ટ સીટ જરૂર લગાવવી જોઈએ. ચાઈલ્ડ સીટ વગર બાળકોને લઈને ટ્રાવેલ કરવું હિતાવહ નથી. ચાઈલ્ટ સીટથી દુર્ઘટનાની સ્થિતિમાં બાળકને વધારાની સુરક્ષા મળે છે.