બાળકની શ્વાસ નળીમાંથી સિસોટી કાઢી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં મજૂરીકામ કરીને ગુજરાન ચલાવતા પરિવારનું ૧૦ વર્ષનું બાળક રમત-રમતમાં પ્લાસ્ટિકની સિસોટી ગળી ગયું હતું. જેની પિતાને જાણ થતાની સાથે બાળકને એલજી હોસ્પિટલમાં જઈને એક્સ-રે અને સિટી સ્કેન કરાવ્યું હતું. જેમાં સિસોટી બાળકની શ્વાસનળીમાં ફસાય હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ બાળકને સિવિલ હોસ્પિટલમાં રિફર કર્યો હતો. જ્યાં બાળકોના નિષ્ણાત ડૉક્ટરો દ્વારા સફળ સર્જરી કરીને બાળકની શ્વાસનળીમાંથી પ્લાસ્ટિકની સિસોટી કાઢવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, અમદાવાદમાં રહેતા જગદિશભાઈ બોડાણાનો ૧૦ વર્ષનો પુત્ર ક્રિષ્ના રમત-રમતમાં પ્લાસ્ટિકની ગળી ગયો હતો. સિસોટી શ્વાસનળીમાં ફસાય જતા ક્રિષ્નાને ઉધરસ શરૂ થઈ ગઈ હતી અને શ્વાસ લે ત્યારે સિસોટીનો અવાજ આવતો હતો. જેની જાણ જગદિશભાઈને થતા તાત્કાલિક પુત્રને એલજી હોસ્પિટલ લઈ ગયા હતા.
આ મામલે સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, ‘સિસોટી ગળી ગયેલા બાળકને સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં ૨૦મી ડિસેમ્બરના રોજ પ્રો. ડૉ. જયશ્રી રામજી, ડૉ. ચિરાગ પટેલ અને એનેસ્થેસિયા વિભાગના ડૉ. તૃપ્તિ શાહ ટીમ દ્વારા બાળકની બ્રોન્કોસ્કોપી કરીને ડાબી તરફની મુખ્ય શ્વાસનળીમાંથી પ્લાસ્ટિકની સિસોટી સફળતાપુર્વક બહાર કાઢવામાં આવી હતી. જ્યારે હવે ઓપરેશન કર્યા બાદ બાળકને અન્ય કોઈ તકલીફ ન જણાતા રજા આપવામાં આવી છે.’