ઘટનામાં ચાર જેટલા વેપારી વિરુદ્ધ ગુનો દાખલ કરી બે ની ધરપકડ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત શહેરના ટેક્સટાઇલ ઉદ્યોગમાં એક કાપડ વેપારી પાસેથી ચાર જેટલા વ્યક્તિઓએ માલ ખરીદ્યા બાદ છેલ્લા લાંબા સમયથી રૂપિયા નહીં આપી જે રૂપિયા લેવાના હતા તેના બીલો પર રૂપિયા અપાઈ ગયા છે એવું સેટલમેન્ટ લખી આપવા માટે દબાણ કરતા હતા. જેને લઈને વેપારી દ્વારા ૨૩ તારીખે ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેવામાં આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે તપાસ કરતા વેપારી આપઘાત પહેલા એક સુસાઇડ નોટ લખી હતી જે પોલીસના હાથે લાગી હતી. જેને લઈને પોલીસે આ ઘટનામાં ચાર જેટલા વેપારી વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી ચારમાંથી બે વેપારીઓની ધરપકડ કરી છે.
ટેક્સટાઇલ સીટી તરીકે ઓળખાતા સુરતમાં કાપડનો સૌથી મોટો વેપાર ચાલી આવી રહ્યો છે. આ વેપારમાં કેટલાક તત્વો માલ ખરીદ્યા બાદ રૂપિયા નહીં આપી છેતરપિંડી કરતા હોય છે અને આવી ફરિયાદો સુરત પોલીસ ચોપડે દરરોજ નોંધાતી હોય છે. ત્યારે સલાબતપુરા વિસ્તારમાં દુકાન ધરાવતા કમલ અગ્રવાલ નામના વેપારીએ તારીખ ૨૩ ડિસેમ્બરના રોજ પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
આ ઘટનાની જાણ થતાં સલાબતપુરા પોલીસ વેપારીના ઘરે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. ત્યારે વેપારીના ઘરમાંથી સુસાઇડ નોટ પોલીસના હાથે લાગી હતી જેમાં આદિલ સૈયદ, રાહુલ, વિક્રમ અને તુષાર ગોયલ નામના ચાર વેપારીઓને તેઓ દ્વારા ૭૦ થી ૮૦ લાખ રૂપિયાનો માલ આપવામાં આવ્યો હતો અને આ માલના પૈસા લાંબા સમયથી નહીં આપી તેમની સાથે ગલ્લાતલ્લા કરતા હતા. જાેકે આ વેપારીઓ પૈસા તો નહીં આપ્યા પણ જે માલના બિલ આપ્યા હતા તેમાં પૈસા આપી દીધા છે તેવું લખાણ કરી આપવા માટે સતત દબાણ કરતા હતા જેને લઈને આ વેપારીને ડરાવવા ધમકાવવામાં આવતો હતો.
આ કારણસર વેપારીએ આપઘાત કરી લીધો હોવાનું સુસાઇડ નોટમાં સામે આવ્યું હતું. જેથી પોલીસે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તાત્કાલિક આ ચાર વેપારી વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી આ ગુનામાં આદિલ સૈયદ અને રાહુલ નામના વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી આદિલ સૈયદ પાસેથી મરનાર કમલ અગ્રવાલએ ૧૨ લાખ રૂપિયા લેવાના હતા જ્યારે રાહુલ આદિલ સૈયદને ત્યાં કામ કરતો હતો અને કપડાની દલાલીનું કામ પણ જાેડે કરતો હતો. તેની પાસેથી પણ રૂપિયા લેવાના હોવાનું પોલીસ તપાસમાં સામે આવતા પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ત્યારે આ ગુનામાં વિક્રમ અને તુષાર ગોયલ હજુ પણ પોલીસ પકડથી દૂર છે.